પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો આવતીકાલ કારતક સુદ પૂર્ણિમાની જન્મજયંતી છે. રાજકોટ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, ધરમપુર, સાયલા સહિતના સ્થાનો પર કાલે શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મજયંતી ઉજવાશે.
તેમનો અંગ્રેજી તારીખ પ્રમાણે તા.11 નવે.1867ના જન્મ થયો હતો. તેઓ અને તા.9મી એપ્રિલ 1901માં દેહત્યાગ કર્યો હતો. તેઓ અનેક જૈન કવિ, અધ્યાત્મ મૂર્તિ, તત્વજ્ઞ, વિદ્વાન તથા સમાજ સુધારક હતા.
તેમનો જન્મ મોરબી નજીકના વવાણીયા ગામે થયો હતો.માત્ર સાત વર્ષની ઉંમરે પૂર્વભવોને સ્મરણમાં લાવવા રૂપ જાતિ સ્મરણ થયાનો ઉલ્લેખ તેમણે પોતે કર્યો છે. તેમણે શતાવધાનના પ્રયોગો જાહેરમાં કર્યા હતા. તેમણે આત્મસિધ્ધિ સહિત અનેક તત્વજ્ઞાન સભર કાવ્યોની રચના કરી છે.
તેમણે ઘણા પત્રો અને વિવેચનો લખ્યા છે. તેમજ કેટલાક ધાર્મિક ગ્રંથોનો અનુવાદ પણ કર્યો છે. જૈન ધર્મના મૂળભૂત સિધ્ધાંતો પરના તેમના બોધ માટે તથા મહાત્મા ગાંધીને તેમણે આપેલ આધ્યાત્મિક માર્ગદર્શન માટે તેઓ વિશેષ પ્રસિધ્ધ છે.
દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. તેઓ નાનપણમાં લક્ષ્મીનંદન પછીથી રાયચંદ અને ત્યારબાદ શ્રીમદ્ રાજચંદ્ર તરીકે પ્રસિધ્ધ થયા.