Saturday, December 14, 2024
HomeFeatureમોરબી સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત ઉમા સંસ્કારધામનું લોકાર્પણ, સામાજિક સંમેલન,...

મોરબી સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત ઉમા સંસ્કારધામનું લોકાર્પણ, સામાજિક સંમેલન, દાતા સન્માન સહિતના કાર્યક્રમોની આજથી વણજાર

‘ઉમા આદર્શ લગ્ન’ની વ્યવસ્થા: તા.13 થી 15 લજાઇમાં શિખરબંધ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: દાતાઓનું સન્માન કરાશે

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટની સ્થાપના ઈ.સ. 1977 માં કરવામાં આવેલ હતી. જેમાં આ સંસ્થાના સ્થાપક આર્ય પુરુષો અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવેલ હતી. જે આજના સમયે એક વટવૃક્ષ બની ગયેલ છે.

આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે શાળા-કોલેજો પણ શરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપનાથી આજ સુધીમાં તમામ સમાજના હજારો દીકરા-દીકરીઓએ શિક્ષણ મેળવ્યું છે.

તેમજ પટેલ સમાજની કન્યાઓ માટે છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. પાટીદાર સમાજના ઉદાર અને દિલેર દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સાવ નજીવા દરે ઉમા મેડિકલ, ઉમા લેબોરેટરી, ઉમા ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે જેનો મોરબી અને આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો નાત જાતના ભેદભાવ વગર ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે.

સમાજના  વ્યવસાયિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જી.પી.એસ.સી.અને યુ.પી.એસ.સી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પાટીદાર એકેડેમી શરૂ કરવામાં આવેલ છે.

સામાજિક સેવા ક્ષેત્રે સમાજના મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારની સ્થિતિને નજર સમક્ષ રાખીને આ અદ્યતન ઉમા સંસ્કારધામ ખાતે ‘ઉમા આદર્શ લગ્ન’  બેનર હેઠળ આખા વર્ષ દરમિયાન દૈનિક બે લગ્ન થઈ શકે તેવા બે લગ્ન હોલ,  24 રૂમનું અતિથિગૃહ, ઉમા રંગભવન, અન્ય લગ્ન હોલ સહિત ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબીના પાટીદાર શ્રેષ્ઠીઓના અનુદાનથી હાલ અમદાવાદ-ગાંધીનગર જ્યારે શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાની પાટીદારની દીકરીઓ સુવિધા અને સુરક્ષા સાથે અમદાવાદમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે હેતુસર 36  રૂમની હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે.

સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની આ તમામ સેવાપ્રવૃત્તિઓ માટે જેમની કૃપા, જેમની પ્રેરણા સમાજને સતત મળી રહી છે એવા જગતજનની માં ઉમિયા માતાજી કેન્દ્રસ્થ હોઈ લજાઈ ઉમા સંસ્કારધામમાં માતાના શિખરબંધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન તા 13 થી 15 સુધી કરવામાં આવેલ છે અને તા.15 ના રોજ મહાપ્રસાદ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સામાજિક સંમેલન અને દાતાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

વધુમાં સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથીએ જણાવ્યુ હતું કે, વર્તમાન સમયમાં લગ્ન આર્થિક ખોટા ખર્ચા માતા-પિતા ઉપર ન આવે તે માટે ‘ઉમા આદર્શ લગ્ન’ ની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે અને તેમાં બંને પક્ષના 100-100 લોકોને બોલાવીને તેઓની પાસેથી માત્ર 5100 રૂપિયા જ લેવામાં આવશે અને દીકરીને 65 હજારનો કરિયાવર તેમજ ભોજન અને ભૂદેવને દક્ષિણા સહિતની તમામ વ્યવસ્થા અને ખર્ચ સંસ્થા દ્વારા કરવાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!