ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છનું સૌંદર્ય માણવા આવે છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત 11 નવેમ્બરથી થવાની છે. પ્રવાસીઓ 15 માર્ચ સુધી આ રણોત્સવનો આનંદ માણી શકશે. જેમાં લોકો ટેન્ટ સિટીમાં રોકાઈને પ્રકૃતિનો અનેરો આનંદ માણતા હોય છે.
રણોત્સવમાં ટેન્ટ સિટીમાં લોકો કચ્છના સફેદ રણના સૌંદર્યની સાથે પરંપરાગત ભોજન અને લોક સંસ્કૃતિનો પણ આનંદ માણે છે. આ ટેન્ટ સિટીમાં રહેવાનો અનુભવ પ્રવાસીઓ માટે ફાઇવ સ્ટાર હોટેલ કરતાં પણ વધારે હોય છે. જો તમે પણ રણોત્સવમાં ટેન્ટ સિટીની મજા માણવા ઈચ્છતા હોવ તો અહીં જાણી લો ટેન્ટ સિટીના વિવિધ ટેન્ટના ભાવ.
નોન-એસી સ્વિસ કોટેજમાં વ્યક્તિ દીઠ એક રાતનું ભાડું 5,500 રૂપિયા છે.
ડિલક્સ એસી સ્વિસ કોટેજમાં વ્યક્તિ દીઠ એક રાત્રિના રોકાણનું ભાડું 7,500 રૂપિયા છે.
પ્રીમિયમ ટેન્ટનું ભાડું 8,500 રૂપિયા છે.
સુપર પ્રીમિયમ ટેન્ટનું ભાડું 9,500 રૂપિયા છે.
તહેવારોની સિઝનમાં અહીં વ્યક્તિ દીઠ એક રાત્રિનું ભાડું 7,000 થી લઈને 11,500 રૂપિયા સુધી નક્કી કરાયું છે.
ક્રિસમસ અને ન્યૂ યરના તહેવાર દરમિયાન એટલે કે 20 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ ભાડું 8,500 થી શરૂ થઈને 13,000 રૂપિયા સુધી પહોંચે છે.
કચ્છના રણોત્સવમાં ટેન્ટ સિટીમાં રહેવા માટે https://www.rannutsav.com/ વેબસાઇટ પર જઈને તમે તમારા માટે ટેન્ટ બુક કરાવી શકો છો. આ સિવાય તમે રણોત્સવને લઈને વિવિધ માહિતી પણ આ વેબસાઇટ પરથી મેળવી શકો છો.
કચ્છમાં ફરવા લાયક સ્થળ
રણોત્સવની સાથે પ્રવાસીઓ કચ્છમાં માતાનો મઢ, વિજય વિલાસ પેલેસ, લખપતનો કિલ્લો, હમીરસર તળાવ, કોટેશ્વર મહાદેવ મંદિર, નારાયણ સરોવર, કચ્છ મ્યુઝિયમ, આઈના મહેલ, ભુજીયો ડુંગર, કાળો ડુંગર તેમજ માંડવીના દરિયા કિનારાની પણ મુલાકાત લઈ શકે છે.