અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જતું મહાપર્વ દિવાળીનો તા.28ના સોમવારથી રમા એકાદશી સાથે પ્રારંભ થઇ રહ્યો છે. સોમવારે રમા એકાદશી અને વાઘ (વાગ) બારસ બે તિથિનો સંયોગ છે. દિપોત્સવી પર્વ લોકો અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવશે. ઘર-ઘરમાં રંગોળી થશે.
રોશનીના શણગાર સાથે મંદિરોમાં વિશેષ અનુષ્ઠાનો થશે. તિથિભેદથી લોકોમાં ગ્રામથલ છે. પણ ઉજવણીનો અનેરો ઉત્સાહ એકાદશી જોવા મળી રહ્યો છે.રમા એકાદશીના દિવસે ભગવાન, વિષ્ણુ અને ધનની દેવી મા લક્ષ્મીના પૂજાનું વિધાન છે. ધાર્મિક માન્યતા છે કે રમા એકાદશીના દિવસે પૂજા અને દાન કરવાથી ધન લાભનો યોગ બને છે. ક્યાંક તા.27મીના રવિવારે રમા એકાદશીનો ઉલ્લેખ થયો છે.
આવતીકાલે સવારે 7-15 સુધી દશમ છે ત્યારબાદ એકાદશી શરૂ થશે. જે બીજા દિવસે તા.28ના સોમવારના લગભગ 8.40 કલાક સુધી ચાલશે. આ પછી બારસ તિથિનો પ્રારંભ થશે. તારીખોથી વધઘટને કારણે દિવાળીની તારીખને લઇને પંચાંગ ભેદ જોવા મળે છે.આ વર્ષે આસોમાસની અમાસ બે દિવસ એટલે કે તા.31મી ઓક્ટોબર અને 1લી નવેમ્બર હશે પરંતુ તા.31મીની રાત્રે અમાવસ્યા હોવાથી આ દિવસે દિવાળી ઉજવવી વધુ શુભ છે. એકાદશી તિથિના સૂર્યોદયનું મહત્વ વધારે છે. આથી તા.28મીના વ્રત રાખવું ઉચિત ગણાશે તેમ જ્યોતિષીઓનું કહેવું છે.
દિવાળી પહેલા આવતી આ એકાદશીનું મહત્વ ઘણું વધારે છે. કારણ કે આ તિથિનું નામ મહાલક્ષ્મી પરથી પડ્યું છે. આ કારણથી આ એકાદશી પર વિષ્ણ અને મહાલક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઇએ. રમા એકાદશી સોમવારે હોવાથી શિવપૂજા પણ કરવી જોઇએ.તા.29મીના ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધન તેરસના લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે.
લક્ષ્મીનારાયણને સુખ, સમૃદ્ધિ અને ધનમાં વધારો કરવાનો યોગ માનવામાં આવે છે.જયોતિષીઓના કથન અનુસાર એક મત એવો છે કે તા.27ના રવિવારે રમા એકાદશી, તા.28ના વાઘ બારસ, તા.29ના સવારે 10-32 થી ધનતેરસ શરૂ થશે.તા.30ના કાળી ચૌદશ, તા.31ના બપોરના 3-53થી અમાસ શરૂ થશે. દિવાળી પર્વ ઉજવવું તથા ચોપડા પૂજન કરવું, તા.1લી નવે.ના પડતર દિવસ તથા તા.2જીના વિક્રમ સવંત 2081ના નવા વર્ષનો પ્રારંભ થશે. તા.6ના બુધવારે લાભ પાંચમ ઉજવાશે.
મોટા ભાગના જયોતિષ વિદો તા.31મીના દિવાળી-ચોપડા પૂજન માટે જણાવે છે.તા.2જીના નૂતન વર્ષ છે અને લોકો એક બીજાના ઘેર નૂતન વર્ષની શુભેચ્છા આપવા જશે. સંસ્થાઓ, વિવિધ સમાજ-જ્ઞાતિ વગેરે દ્વારા સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાશે. તા.6ને બુધવારે લાભ પાંચમ પર્વ ઉજવાશે, વેપારીઓ પોતાના વેપાર-ધંધાનો પ્રારંભ કરશે.