સંયુકત રાષ્ટ્રસંઘ દિવસની ઉજવણી પર આજે અહિંસાનો સંદેશો
સંયુકત રાષ્ટ્રસંઘ દિવસની ઉજવણી સમગ્ર દુનિયા અને ભારત દેશમાં આજે 24 ઓકટોબરના રોજ કરવામાં આવે છે. જે નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમો અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજની સાથે સંયુકત રાષ્ટ્રસંઘનો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો છે.

વૈશ્વિક એકતા માટે આશાનું પ્રતીક એટલે સંયુકત રાષ્ટ્રસંઘ. સંયુકત રાષ્ટ્રસંઘ એક એવી જગ્યા છે કે જ્યાં વિશ્વના રાષ્ટ્રો એકસાથે ભેગા થઈ શકે, સામાન્ય સમસ્યાઓની ચર્ચા કરી શકે અને ઉકેલ શોધી શકે. યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશોમાં દર વર્ષે 24 ઓકટોબરના રોજ યુનાઇટેડ નેશન્સ ડે (સંયુકત રાષ્ટ્રસંઘ દિવસ)ની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં 193 દેશો આ સંસ્થાના સભ્યો છે.

સંયુકત રાષ્ટ્રસંઘ દિવસની ઉજવણી વિવિધ રાષ્ટ્રોમાં વિવિધ પ્રકારે કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સના જીનિવા સ્થિત બિલ્ડીંગના જનરલ એસેમ્બલી હોલમાં આ દિવસે યુ.એન.ના જનરલ સેક્રેટરી સભ્ય દેશોના વડાઓ અને પ્રતિનિધિઓની સભાને સંબોધે છે. તેમની ગેરહાજરીમાં તેમના સંદેશાનું પઠન કરવામાં આવે છે.

યુ.એન.ના સભ્ય દેશોની શાળાઓમાં ચર્ચાસભા, શાંતિયાત્રા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ વિવિધ, ચિત્ર સ્પર્ધા વગેરે વિવિધ માધ્યમો દ્વારા એવો સંદેશો ફેલાવવામાં આવે છે કે સમગ્ર વિશ્ર્વ આપણાં તમામ લોકોનું છે, જેમાં માનવહકોની જાળવણી, હિંસા અને અત્યાચારને દેશવટો તથા સંવાદ અને સહકાર દ્વારા શાંતિમય વિશ્વનું નિર્માણ આપણે એક થઇને કરવાનું છે.









