Sunday, March 23, 2025
HomeFeatureખોટા કેસમાં જેલમાં પૂરનારી UKની સરકારે વળતરની ઓફર કરી

ખોટા કેસમાં જેલમાં પૂરનારી UKની સરકારે વળતરની ઓફર કરી

વર્ષોથી યુકેમાં રહેતા અને પોસ્ટ ઓફિસ ચલાવતા એક ગુજરાતીને ખોટા આરોપમાં દોષિત ઠેરવીને નવ મહિના સુધી જેલમાં રાખ્યા બાદ યુકેની સરકારે હવે તેમને છ લાખ પાઉન્ડનું વળતર આપવાની ઓફર કરી છે. આ કેસના વિક્ટિમ સુનીલ પટેલ લિટલસ્ટોનમાં રહે છે જે સેન્ટ મેરીસ બેમાં પોતાના પત્ની સાથે સ્ટોર કમ પોસ્ટ ઓફિસ ચલાવતા હતા.

ત્રણ સંતાનોના પિતા સુનીલ પટેલને 2010માં 48 હજાર પાઉન્ટની ચોરી કરવાના ખોટા આરોપમાં દોષિત ઠેરવીને સવા વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, તેમના પર પોસ્ટ ઓફિસની કંપની પાસેથી આ રકમ 2008થી 2009ના ગાળામાં ચોરવાનો આરોપ હતો. જોકે, હકીકત એ હતી કે સુનીલ પટેલે આવી કોઈ ચોરી નહોતી કરી અને કમ્પ્યુટર સિસ્ટમમાં ફોલ્ટ હોવાના કારણે હિસાબમાં ગડબડ થતાં સુનીલ પટેલ સહિત કુલ 900થી પણ વધુ સબ પોસ્ટમાસ્ટર્સની ચોરીના કેસમાં ધરપકડ કરાયા બાદ તેમની સામે કોર્ટમાં કેસ ચલાવાયો હતો જેમાં તમામને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ચોંકાવનારી વાત એ છે કે સુનીલ પટેલ આ કેસ લડવા વકીલ રોકવાનો જંગી ખર્ચો કરી શકે તેમ નહોતા તેમજ પોતાની ફેમિલીનું પણ ટેન્શન હોવાથી તેમણે પોતે નિર્દોષ હોવા છતાંય ગુનો સ્વીકારી લીધો હતો. તેમનો દાવો છે કે જો તેમણે કેસ લડ્યો હોય તો વકીલને ફી પેટે ચાર લાખ પાઉન્ડથી પણ વધુ રકમ ચૂકવવી પડી હોત.

સુનીલ પટેલે નવ મહિના જેલમાં વિતાવ્યા ત્યારબાદ તેમને સારા વર્તનનું કારણ આપીને બાકીની સજા માફ કરી જેલમાંથી મુક્ત કરી દેવાયા હતા. સુનીલ પટેલે જે ગુનો કર્યો જ નહોતો તેની સજા તો તેમણે ભોગવી લીધી હતી પરંતુ તેના કારણે તેમની પ્રતિષ્ઠા પર ડાઘ લાગ્યો હતો જે કોઈ રીતે ભૂંસી શકાય તેમ નહોતો.

આ ગુજરાતી પહેલાથી જ પોતે નિર્દોષ હોવાનો દાવો કરતા હતા પરંતુ કોર્ટે તેમની વિરૂદ્ધ જે પુરાવા રજૂ કરાયા હતા તેને ધ્યાનમાં રાખી તેમને સજા સંભળાવી હતી. આ ઘટનાના 14 વર્ષ બાદ છેક હવે સુનીલ પટેલને મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ તરફથી એક પત્ર મળ્યો હતો જેમાં એવું જણાવાયું હતું કે તેમના પર મૂકવામાં આવેલા આરોપ ખોટા હતા અને તેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવા અંગેનો જે ચુકાદો અપાયો તો તે પણ રદ્દ કરવામાં આવ્યો છે. સરકારે પોતાની ભૂલનો સ્વીકાર કરતા સુનીલ પટેલને છ લાખ પાઉન્ડના વળતરની ઓફર કરી છે.

પોતે નિર્દોષ સાબિત થતાં સુનિલ પટેલ હવે માથા પરથી જાણે મોટો બોજ ઉતરી ગયો હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે, પરંતુ તેમને વગર વાંકે જે પરેશાની ભોગવવી પડી હતી તેમજ નવ મહિના જેલમાં રહેવું પડ્યું હતું તેના વળતર સ્વરૂપે ઓફર કરાયેલી રકમ તેમને અપૂરતી લાગી રહી છે. સુનીલ પટેલને કોર્ટે તે વખતે 48 હજાર પાઉન્ડ પરત ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો અને તેમણે જે બિઝનેસ લોન લીધી હતી તેની પણ બેંકે ઉઘરાણી કરતા તેમને પોતાની બે પ્રોપર્ટી વેચીને 1.80 લાખ પાઉન્ડની લોન તાત્કાલિક ચૂકવવી પડી હતી.

સુનીલ પટેલનું કહેવું છે કે કોર્ટના ચુકાદા બાદ તેમને 48 હજાર પાઉન્ડ ભરવા માટે ખૂબ જ સ્ટ્રગલ કરવી પડી હતી અને છેલ્લા 15 વર્ષથી પોતે જે હેરાનગતિ ભોગવી રહ્યા છે તેની સામે છ લાખ પાઉન્ડનું વળતર કંઈ નથી. તેમનો એવો પણ દાવો છે કે આ કેસમાં જેમને જેલમાં નહોતું જવું પડ્યું તેમને પણ આટલું જ વળતર ઓફર કરવામાં આવ્યું છે. જોકે, વળતરની રકમ વધારવા માટે તેઓ ફરી લીગલ ફાઈટ આપવા માટે તૈયાર છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!