ગુજરાતમાં ચોમાસું લંબાઈ જવાથી હવે પડતો વરસાદ મેઘમહેરના બદલે મેઘકહેર પુરવાર થઈ રહ્યો છે. ખેડૂતો માટે ફરીથી માઠા દિવસો આવ્યા છે. ચોમાસા દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ થવાથી જગતનો તાત રાતા પાણીએ રડ્યો હતો અને હાલના મેઘકહેરથી પણ અતિપરિશ્રમથી ખેતરોમાં તૈયાર કરાયેલો પાક નષ્ટ થઈ રહ્યો છે. બીજુ રાજ્યમાં વીજળી પડવાના બનાવો પણ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વીજળી પડવાના કારણે 24 કલાકમાં કુલ 7 જેટલા લોકોના દુઃખદ અવસાન થયા હોવાનું સામે આવ્યું છે.

અમરેલીના લાઠીમાં 5 લોકોના મૃત્યુ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે માતા, પુત્ર અને પુત્રી સહિત 5 લોકોના મૃત્યુ થયા છે. વીજળી પડવાના કારણે ગંભીર રીતે દાઝી ગયેલા વ્યક્તિઓને 108 મારફતે લાઠી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તમામને મૃત જાહેર કર્યા હતા.

આંબરડી ગામે પડી વીજળી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય પંથકોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના કારણે કેટલીક જગ્યાએ ધીમીધારે તો કેટલીક જગ્યાએ મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન ખેત મજૂરી કરતો પરિવાર વાડી વિસ્તારમાં કપાસ વીણીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે આંબરડી ગામ ખાતે સાંજના સમયે વીજળી પડતા 5 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. દામનગર પોલીસ સ્ટેશન તરફથી મળતી માહિતી અનુસાર, વીજળી પડતા 35 વર્ષીય ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા, 5 વર્ષીય રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા, 5 વર્ષીય રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા, 18 વર્ષીય રૂપાલી વણોદિયા અને 18 વર્ષીય શિલ્પા સાંથળીયા નામની વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

ઉપલેટામાં એક વિદ્યાર્થીનું મોત
તો અન્ય બનાવ રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે વીજળી પડતા 17 વર્ષીય દેવેન્દ્રસિંહ ચુડાસમા નામના વિદ્યાર્થીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર ઉપલેટાના સેવંત્રા ગામ ખાતે રહેતો દેવેન્દ્રસિંહ ચુડાસમા ધોરણ 11 માં અભ્યાસ કરતો હતો. તે કેશોદ ખાતે પરીક્ષા આપીને પરત ફરી રહ્યો હતો, તે સમયે ઉપલેટા નજીક તેના પર વીજળી ત્રાટકી હતી. જે બાદ 108 મારફતે તેને ઉપલેટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત ગયેલ જાહેર કર્યો હતો.

શનિવારના રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામ ખાતે 45 વર્ષીય ભાનુંબેન નામની મહિલા પર વીજળી પડતા તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર, ભાનુબેન તેમજ અન્ય મહિલાઓ વાડી ખાતે કામકાજ કરી રહી હતી. તે સમયે વાળી વિસ્તારમાં વીજળી પડતા ભાનુબેનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. આમ શનિવારના રોજ વીજળી પડવાના કારણે સૌરાષ્ટ્રમાં 7 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે.








