વારાફરતી હજુ ત્રણ વાવાઝોડા આવશે: અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના આગામી બે મહિનાના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.
તેમના જણાવ્યા અનુસાર, ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં હજુ આગામી બે મહિના સુધી માવઠાની સ્થિતિ જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલે આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં વારાફરતી ત્રણ વાવાઝોડા ઉત્પન્ન થવાની આગાહી કરી છે. આ વાવાઝોડા મુખ્યત્વે ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.
વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં માવઠા થવાની શક્યતા છે. આજથી 24 ઓક્ટોબર સુધી ગુજરાતમાં માવઠાની સ્થિતિ રહી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે બપોર પછી માવઠાની શક્યતા છે. આજથી જ દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

17 થી 20 ઓક્ટોબર દરમિયાન પ્રથમ વાવાઝોડું બનવાની શક્યતા છે. 22 ઓક્ટોબરથી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. 7 નવેમ્બરથી બીજું વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા છે. 17 થી 20 નવેમ્બર વચ્ચે ત્રીજું વાવાઝોડું બનવાની શક્યતા છે.

12 નવેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં રહેશે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ માવઠાની અસર થઈ શકે છે. ઉત્તર ગુજરાતનું વાતાવરણ બદલાશે.

ડિસેમ્બર મહિનાથી હાડ થીજવતી ઠંડી શરૂ થઈ જશે. ઠંડીની વચ્ચે પણ માવઠા યથાવત રહેવાની શક્યતા છે.આ આગાહી મુજબ, ગુજરાતના નાગરિકોએ આગામી બે મહિના દરમિયાન માવઠા અને અનિયમિત હવામાન માટે તૈયાર રહેવું પડશે. ખાસ કરીને ખેડૂતો અને માછીમારોએ સાવચેતી રાખવી જરૂરી છે.

સાથે જ, પેટાચૂંટણી સહિતની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ પર પણ હવામાનની અસર થઈ શકે છે.







