ધુણસોલ ગામની સણીયાલીપુરાની પેટા શાળા હાઈ ટેક સુવિધાઓથી સજ્જ છે. આ શાળામાં બાળકો પોતાની બેંક પણ ચલાવે છે. બાળકોને ઈ ડિસ્પેલ પર અભ્યાસ કરાવવામાં આવે છે.
જિલ્લામાં આવેલા સરહદી પંથકમાં અનેક સરકારી શાળાઓ આવેલી છે. આ શાળાઓ શહેરની ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી શાળાઓ છે. ત્યારે લાખણીના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ધુણસોલ ગામની સણીયાલીપુરા પ્રાથમિક શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
ત્યારે આ શાળામાં વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારની સુવિધાઓ છે તે અહીં જાણીએ.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગ્રામીણ વિસ્તારની શાળાઓ શહેરની ખાનગી શાળાઓને ટક્કર મારે એવું કાર્ય કરી રહી છે. ત્યારે લાખણીના અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરાઈ છે.
આ શાળામાં બાળકોને શિક્ષણની સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તેવું કાર્ય પણ કરવામાં આવે છે.
ધુણસોલની પેટાશાળા સણીયાલીપુરા પ્રાથમિક શાળા ખેતરોની વચ્ચોવચ આવેલી છે. શાળાનું વાતાવરણ રમણીય છે. શરૂઆતમાં આ શાળામાં સુવિધાનો અભાવ હોવાથી બાળકો શાળાએ આવતા ન હતા.
પરંતુ આ શાળાના આચાર્ય દશરથભાઈ ચેનવા અને અન્ય શિક્ષકો દ્વારા બાળકોને શાળામાં લાવવા ગમ્મત સાથે શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. આવું કરવાથી આ શાળામાં બાળકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. હાલ આ શાળામાં કુલ 119 બાળકો અભ્યાસ કરે છે.
આ પેટા શાળામાં શિક્ષણ મેળવતા બાળકો નાનપણથી પૈસાની બચત કરી શકે તે માટે આ શાળામાં ‘ચિલ્ડ્રન બેંક’ પણ બનાવવામાં આવી છે. જાતે જ બાળકો હિસાબ કિતાબ કરી ખરીદી કરી શકે તે માટે આ શાળામાં ‘રામ હાર્ટ’ બનાવવામાં આવ્યું છે.
આ શાળામાં બોલતી દિવાલો બનાવવામાં આવી છે જેથી બાળકો ફ્રી સમયમાં જાતે જ દિવાલ પરથી શિક્ષણ મેળવી શકે છે.