શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ઉદ્યોગના વિકાસ માટે જે નિર્ણયો લીધા હતા તે થકી મોરબીનો સિરામીક ઉદ્યોગ ચીનને હંફાવવાની તાકાત ધરાવે છે: – ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા
છેલ્લા બે દાયકામાં મોરબીમા સિરામીક ઉદ્યોગ સહિતના ઉદ્યોગોએ વિકાસના માર્ગે હરણફાળ ભરી:- જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી
મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીની એલ.ઈ. કોલેજ ખાતે ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિકાસ ગાથા ઘર ઘર સુધી પહોંચાડવા અને કરોડોના વિકાસ કાર્યો લોકોને અર્પણ કરવા માટે અનેકવિધ આયોજનોના ભાગરૂપે મોરબી જિલ્લાની ઉદ્યોગ ક્ષેત્રની વિકાસ ગાથા અંગે માર્ગદર્શન આપવા અને ઉદ્યોગ સાહસિકોને પ્રાધાન્ય આપવા માટે મોરબીમાં એલ.ઈ. કોલેજ ખાતે ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમા ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી અભિગમ થકી ગુજરાતે વિકાસના માર્ગ પર હરણફાળ ભરી છે.
હાલ વડાપ્રધાન તરીકેના તેમના નેતૃત્વમાં દેશને આગામી ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના સ્વપ્ન અન્વયે અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતના ઉદ્યોગોના વિકાસ માટે જે નિર્ણયો લીધા હતા તે થકી મોરબીના સિરામીક ઉદ્યોગ ચીનને હંફાવવાની તાકાત ધરાવે છે.
મોરબી સાહસિકતાનું સેન્ટર છે, અહીં ઘરે ઘરે ઉદ્યોગકારો છે ત્યારે તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો ઉદ્દેશ્ય છે કે, દરેક યુવા જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને.
આજે સરકારના સહયોગ થકી નાનામાં નાનો માનવી પણ પગભર બન્યો છે. હવે ડોક્ટર બનવા માટે બહાર ભણવા જવાની જરૂર નથી, મોરબી જેવા જિલ્લાઓમાં પણ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. આજે શિક્ષણ પ્રમાણમાં ઓછું ખર્ચાળ અને સુલભ બન્યું છે તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ પ્રાસંગિક ઉદબોધન આપતા છેલ્લા ૨૩ વર્ષમાં ગુજરાતમાં થયેલ ઔદ્યોગિક, માળખાગત તથા ગરીબ કલ્યાણ માટે થયેલ વિકાસ કાર્યોની છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં મોરબીમાં સિરામીક ઉદ્યોગ સહિતના ઉદ્યોગોએ હરણફાળ ભરી છે.
ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસના રોડ મેપ પર પૂર્ણ ગતિથી આગળ વધી રહ્યું છે જે બાબતે તેમણે SEZ અને SIR ની પણ વાત કરી હતી. લોક કલ્યાણ માટે આયુષ્માન કાર્ડ, ૧૦૮ એમ્બ્યુલન્સ, ખિલખિલાટ વાન સહિતની યોજનાઓ અને સેવાઓ સાથે હ્યુમન ઇન્ડેક્ષમાં પણ સતત આગળ વધી રહ્યું છે.
ઉપરાંત સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળોની વાત કરી તેમણે પ્રવાસન ક્ષેત્રે ગુજરાત કેવી રીતે છેલ્લા બે દાયકામાં વિશ્વ સ્તરે ઉજાગર થયું તેની વિસ્તૃત વાત કરી હતી.
આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકતા બાબતે સીનીયર ટ્રેનિંગ ઓફિસર ગૌરવ કલોલા અને સિરાજ બખતરીયા સહિતના દ્વારા એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આઉટડોર એર પ્યોરીફિકેશન, સ્ટાર્ટ અપ પોલીસી અને આત્મનિર્ભરતા પોલીસી, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના, ઉદ્યોગો માટે સરકારનો સહયોગ અને સરકારની યોજનાઓ અને આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો, પોલ્યુશન કંટ્રોલ અને ઉદ્યોગ સાહસિકતામાં સફળતા સહિતના મુદ્દાઓ અનુસંધાને પરિસંવાદ યોજાયો હતો.
સફળ ઉદ્યોગપતિઓએ પણ તેમના અનુભવો અને સરકાર દ્વારા મળેલ સહયોગની રજૂઆત કરી હતી. કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિતોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરીએ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મોરબી જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમો અને એસોસિએશનના પ્રમુખ સર્વ દિલુભા જાડેજા, હરેશભાઈ બોપલિયા, કિરીટભાઈ પટેલ, શૈલેષભાઈ દેત્રોજા, ઉદ્યોગપતિઓ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.