જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં એક વિશાળ જાહેર સભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય પસંદ કરવાની છે. તેમજ જમ્મુમાં આ વિધાનસભા ચૂંટણીની મારી આ છેલ્લી સભા છે. આજે શહીદ વીર સરદાર ભગતસિંહની જન્મજયંતિ પણ છે. દેશના કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત ભગતસિંહજીને હું આદરપૂર્વક વંદન કરું છું.”
પીએમ મોદીએ કહ્યું કે, “છેલ્લા અઠવાડિયામાં તેમને જમ્મુ અને કાશ્મીરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાનો અવસર મળ્યો હતો અને જ્યાં પણ ગયા ત્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પ્રત્યે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
લોકો અહીં ત્રણ પરિવારોની રાજનીતિથી પરેશાન છે : PM મોદી
વડાપ્રધાને કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ (NC) અને PDP પર નિશાન સાધતા કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરના લોકો આ ત્રણ પરિવારોની રાજનીતિથી કંટાળી ગયા છે. અહીંના લોકો હવે આતંકવાદ, અલગતાવાદ અને ખૂન- ખરાબા નથી ઈચ્છતા. તેઓ તેમના બાળકોનું સારું ભવિષ્ય અને શાંતિ ઇચ્છે છે. અને એ જ કારણે લોકો ભાજપ સરકારને સમર્થન આપી રહ્યા છે.”
‘રાજ્યમાં ભાજપની પૂર્ણ બહુમતીવાળી પહેલી સરકાર બનવા જઈ રહી છે’
જમ્મુ- કાશ્મીરમાં છેલ્લા બે તબક્કામાં થયેલા ભારે મતદાનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, “એ સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરના લોકોએ હવે ભાજપની તરફી મુડ બનાવી લીધો છે.” તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં ભાજપની પૂર્ણ બહુમતીવાળી પહેલી સરકાર બનવા જઈ રહી છે.
‘ઈતિહાસમાં આ પહેલા ક્યારેય એવી તક મળી નથી’
જમ્મુના લોકોને વિશેષ આગ્રહ કરતા વડાપ્રધાને કહ્યું કે, “ઈતિહાસમાં આ પહેલા ક્યારેય એવી તક મળી નથી, જેવી આ ચૂંટણીમાં જોવા મળી રહી છે. પહેલીવાર જમ્મુમાં લોકોની ઈચ્છા પ્રમાણે સરકાર બનવા જઈ રહી છે. આ તક મંદિરોની નગરી માટે મહત્વપૂર્ણ છે, અને તેને ગુમાવવી જોઈએ નહીં.”
પીએમ મોદીએ આશ્વાસન આપ્યું કે ભાજપની સરકાર બન્યા બાદ જમ્મુના લોકોના દરેક દુઃખ દૂર કરશે. નવરાત્રિ અને વિજયાદશમીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, “ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે નવરાત્રિના દિવસે જાહેર કરવામાં આવશે, અને આ વખતે વિજયાદશમી એક શુભ શરૂઆત હશે.”
આ નવુ ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે: પીએમ મોદી
વડાપ્રધાને તેમના સંબોધનમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરતા કહ્યું કે, “આજની રાત્રે જ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. ભારતે દુનિયાને બતાવી દીધું હતું કે, આ નવું ભારત છે, જે ઘરમાં ઘૂસીને મારે છે.” તેમણે કોંગ્રેસ પર સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે, કોંગ્રેસ આજે પણ આ મુદ્દે પાકિસ્તાનની ભાષા બોલે છે.
વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી)નો મુદ્દો ઉઠાવતા પીએમ મોદીએ કોંગ્રેસ પર સેના પરિવારોના હિતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ” જ્યારે વર્ષ 2014માં ભાજપ સરકાર સત્તામાં આવી તે પછી ઓઆરઓપી લાગુ કરવામાં આવી છે અને સૈન્ય પરિવારોના હિતને હંમેશા સર્વોપરી રાખ્યું છે.”