♦ ટેકનીકલ બાબતોમાં ન જવા સંકેત: નાના વેપારી અને ફેરીયાઓ સહિત તમામ મોડી રાત સુધી ધંધા – વેપાર પણ કરી શકશે
♦ ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો શું બહાર જઇને રમે? સીધો પ્રશ્ન: કોંગ્રેસે ગત વર્ષે મારા ગરબા સામે પીએલઆઇ કરી હતી
ગુજરાતમાં નવરાત્રી નજીક છે અને વરસાદની ચિંતા વચ્ચે પણ ખેલૈયાઓ પુરેપુરી નવરાત્રી ગરબે રમવા આતુર છે તેમાં હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના લોકોને ખુબ જ આનંદથી ગરબે રમવા અપીલ કરતાં જણાવ્યું કે, પોલીસ દળ સુરક્ષા માટે સજજ છે અને મહાનગર સહિતના પોલીસ વડાઓએ તે માટે આયોજન કર્યું છે.
શ્રી હર્ષ સંઘવીએ એક મુલાકાતમાં ગરબાના ટાઇમીંગ અંગે કહ્યું કે, ગુજરાતીઓ સવારના 5-00 સુધી ગરબા રમે તો પણ કોઇ ચિંતા નહીં હોય, ગરબા એ ગુજરાતનો મહા ઉત્સવ છે. ગુજરાતમાં લોકો મુક્ત પણે ગરબા ન રમે તો ક્યાં રમે શકે?
તેમણે એમ પણ જણાવ્યું કે, કોઇ ટેકનીકલ મુદ્દાઓમાં પડવાની જરુર નથી. કોઇપણ પ્રકારની નિયમ કાનૂન તોડ્યા વગર સૌ ઉત્સાહથી ગરબા રમે તે નિશ્ચિત કરાશે. તેમણે કહ્યું કે, નવરાત્રી એ ખુશીનો તહેવાર છે અને સૌ તેને માણે તેવી શુભેચ્છા હું આપું છું.
સુત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે નવરાત્રી દરમ્યાન બજારોને પણ મોડી રાત સુધી ખુલ્લી રાખવાની છૂટ આપી દીધી છે અને પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત સાથે તેમાં કોઇ વિઘ્ન ન સર્જાય તે નિશ્ચિત કરાયું છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગત વર્ષે કોંગ્રેસ પક્ષે મારા ગરબા સામે પીએલઆઇ કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત ઉત્સવ પ્રિય છે અને અહીં તો ભાંગડા અને અન્ય રાજ્યોના તહેવારો પણ ઉજવાય છે.
ગુજરાતમાં ખેલૈયાઓ માટે ખુશ ખબર આપવા સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખેલૈયા અને આયોજકોને ખાસ વિનંતી છે કે મ્યુઝીક અને ડીજેને કારણે અન્ય નાગરિકો હેરાન ન થાય તે તેનો રીતે ઉપયોગ કરાશે તેનો મને પૂર્ણ વિશ્ર્વાસ છે.