ગુજરાતનો સિઝનનો સરેરાશ વરસાદ 131 ટકાને પાર
રાજયમાં 2112 તાલુકામાં હળવો – ભારે વરસાદ; વ્યારામાં સૌથી વધુ સાડા આઠ ઈંચ, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રનાં ભાગોમાં ગાજવીજ-વિજકડાકા સાથે તોફાની મૂડ
ગુજરાતમાં ચોમાસુ ફરી વિદાય વેળાએ જામ્યુ હોય તેમ સાર્વત્રિક મેઘસવારીનું ચિત્ર સર્જાયુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક પાણી વરસ્યુ હતું. રાજયના 212 તાલુકામાં હળવો-ભારે વરસાદ પડયો હતો આ સાથે ગુજરાતનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 131 ટકા થઈ ગયો છે.
બંગાળની ખાડીની સાયકલોનિકસ લો-પ્રેસર સીસ્ટમ આગળ વધવાને પગલે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલી મેઘસવારી વધુ વ્યાપક અને સાર્વત્રિક બની હોય તેમ આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક્માં 212 તાલુકામાં હળવો ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ તાપી જીલ્લાનાં વ્યારામાં વરસ્યો હતો.
સોનગઢમાં સવાઈ ઈંચ વરસાદ પડયો હતો. વિસાવદર તથા ઘોઘામાં પણ 6-6 ઈંચ વરસાદ હતો.પાલીતાણા વાપીમાં સાડા ચાર ઈંચ વલ્લભીપુર, પારડીમાં સવા ચાર ઈંચ તથા ઉના, સિહોર, ભાવનગર,વલસાડમાં ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે 22 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ હતો.જયારે 41 તાલુકામાં બે ઈંચ કે તેથી વધુ વરસાદ હતો. મુખ્યત્વે સૌરાષ્ટ્ર-અને દક્ષિણ-મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક મેઘસવારી હતી.
મેઘરાજાનાં નવા રાઉન્ડ વચ્ચે ગુજરાતમાં સીઝનનો કુલ વરસાદ સરેરાશ કરતાં 131.07 ટકા થયો છે. રાજયમાં સરેરાશ 883 મીમી વરસાદ થતો હોય છે. તેની સરખામણીએ 1157 મીમી પાણી વરસી ગયુ છે.
તમામ 251 તાલુકામાં 10 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. રાજયમાં સપ્ટેમ્બર મહિનાનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 175 મીમી થઈ ગયો છે.અને આવતા જુનના 115 મીમી કરતાં વધી ગયો છે.
ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છ ઝોનમાં 183.32 ટકા સૌરાષ્ટ્રમાં 137.03 ટકા દક્ષિણ ગુજરાતમાં 136.25 ટકા મધ્ય ગુજરાતમાં 127.56 ટકા તથા ઉતર ગુજરાતમાં 110.19 ટકા થયો છે.
અમદાવાદમાં અંધારપટ જેવા માહોલ વચ્ચે સવારથી વરસાદ: અનેક ભાગોમાં ધનાધન
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ વધુ વ્યાપક બની રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં 202 તાલુકામાં વરસાદ બાદ આજે સવારથી પણ વરસાદ રહ્યો હતો અમદાવાદમાં અંધારપટ જેવી હાલત વચ્ચે ધોધમાર વરસાદ પડતા અનેક માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા.
એસજી હાઈવે, મકરબા, વેજલપુર, વટવા, નારોલ, મણીનગર, પાલડી સહીતના ભાગોમાં વરસાદ હતો આ સિવાય અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, સુરત, બોટાદ, રાજકોટ જેવા જીલ્લાઓમાં પણ વરસાદ હતો.