કેલ્શિયમ, વિડામીન ડી-3, ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેસરની દવાઓ કવોલિટી ટેસ્ટમાં ઉતરતી ગુણવત્તાની દવા નિયમનકારી સંસ્થાનો રિપોર્ટ
પેરાસિટામોલ સહિતની સૌથી વધુ વેચાતી 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ રહી છે. ગુણવત્તા પરીક્ષણોમાં નિષ્ફળ રહેલી અન્ય દવાઓમાં કેલ્શિયમ, વિટામિન D3 સપ્લિમેન્ટસ, એન્ટિ-ડાયાબિટીસ ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશરની દવાઓનો પણ સમાવેશ થાય છે.
ડ્રગ નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડડર્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ આવી 53 દવાઓ માટે સ્ટાન્ડર્ડ ક્વોલિટીની ન હોવાનો એલર્ટ પણ જારી કર્યું છે.
રાજ્યના દવા અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા રેન્ડમ માસિક સેમ્પલની ચકાસણી પછી સામાન્ય રીતે ‘નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી’ (NSQ) એલર્ટ જારી કરાય છે.
ક્વોલિટી ચેકિંગમાં નિષ્ફળ રહેલી ટોપ સેલિંગ દવાઓમાં વિટામિન સી અને ડી3 ગોળીઓ શેલ્કાલ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી સોફ્ટજેલ્સ, એન્ટિએસિડ પેન-ડી, પેરાસિટામોલ ગોળીઓ IP 500 મિલિગ્રામ, એન્ટિ-ડાયાબિટીક દવા ગ્લિમેપીરાઈડ, હાઈ બ્લડ પ્રેશરની દવા ટેલમિસારટન જેવી ટોચ સેલિંગ દવાઓનો સમાવેશ થાય છે.
આ દવાનું ઉત્પાદન હેટરો ડ્રગ, આલ્કેમ લેબોરેટરીઝ, હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ, કર્ણાટક એન્ટીબાયોટિક્સ એન્ડ ફાર્મા, મેગ લાઇફસાયન્સ, પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર સહિતની કંપનીઓ કરે છે.
પીએસયુ હિન્દુસ્તાન એન્ટિબાયોટિક (એચએએલ) દ્વારા ઉત્પાદિત પેટના ઈન્ફેક્શનના સારવાર માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી દવા મેટ્રોનીડાઝોલ પણ ક્વોલિટી ચેકિંગમાં ખરી ઉતરી નથી.
તેવી જ રીતે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરાતી અને ઉત્તરાખંડ સ્થિત પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર દ્વારા ઉત્પાદિત શેલ્કાલ પણ ટેસ્ટ પાસ કરી શકી નથી. કોલકાતાની ડ્રગ ટેસ્ટિંગ લેબે આલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક્સ દવા ક્લેવમ 625 અને પેન ડીને બનાવટી ગણાવી છે.
આ જ લેબે હૈદરાબાદ સ્થિત કંપની હેટરોની સેપોડેમ XP 50 ડ્રાય સસ્પેન્શનને ઉતરતી ગુણવત્તાની જાહેર કરી છે.
આ દવાનો ઉપયોગ બાળકોમાં બેક્ટેરિયાના ઈન્ફકેશનની સારવારમાં થાય છે. કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સની પેરાસિટામોલ ગોળીઓની ક્વોલિટી અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે.
ડ્રગ રેગ્યુલેટરે ગુણવત્તા પરીક્ષણોમાં નિષ્ફળ રહેલી દવાઓની બે યાદી જારી કરી હતી. પ્રથમ યાદીમાં ટોચ સેલિંગ 48 દવાનો સમાવેશ થાય છે.
બીજી યાદીમાં એવી પાંચ દવાઓ છે કે, જેમાં કંપનીઓના જવાબ પણ આપવામાં આવ્યા છે. સંબંધિત ફાર્મા કંપનીઓએ આ દવાની જવાબદારી લેવાનો ઈનકાર કરીને જણાવ્યું હતું કે આ દવાઓ બનાવટી છે અને તેનું ઉત્પાદન તેમને કર્યું નથી.