ભારત આગ જેવું નથી પરંતુ પ્રકાશ આપનાર સૂર્ય જેવા છીએ : રાષ્ટ્ર સંઘ મારફત વિશ્ર્વને વડાપ્રધાનનો સંદેશ
- વિશ્વમાં યુધ્ધો, આતંકવાદની સાથે હવે સાયબર સુરક્ષા દરિયાઇ અને સ્પેસ એ સંઘર્ષના નવા ક્ષેત્રો બની ગયા છે તે સમયે હવે વૈશ્ર્વિક શાંતિ પ્રક્રિયા ઝડપી બને તે જરૂરી
- ન્યુયોર્કમાં રાષ્ટ્ર સંઘમાં સમીટ ઓફ ધ ફયુચરને સંબોધન : યુનોમાં સુધારા માટે ફરી એક વખત મોદીનો ભારપૂર્વક અનુરોધ
ભારતીય રાજદ્વારી નીતિને સફળતાના વધુ શીખર પર લઇ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં સંયુકત રાષ્ટ્ર સંઘના 79 સત્રને સમીટ ઓફ ધ ફયુચરની થીમ પર સંબોધન કરતા કહ્યું હતું કે માનવતાની સફળતા યુધ્ધના મેદાનમાં નહીં પરંતુ આપણી સામુહિક શકિતમાં રહેલી છે.
મોદીએ યુક્રેન અને રશીયા તેમજ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું કે આતંકવાદએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે.
બીજી તરફ સાયબર સુરક્ષા દરિયાઇ અને અવકાશમાં સંઘર્ષના નવા ક્ષેત્રો બની રહ્યા છે આ તમામ મુદ્દાઓ પર હુ વૈશ્વિક કાર્યવાહી એ આપણી વૈશ્વિક મહત્વકાંક્ષાને અનુરૂપ હોવી જોઇએ તે ચોકકસપણે માનુ છું. મોદીએ કહ્યું કે વૈશિ્વક શાંતિ માટે રાષ્ટ્ર સંઘ સહિતની સંસ્થામાં સુધારા જરૂરી છે. હું અહીં માનવતાનો છઠ્ઠા ભાગનો અવાજ સાંભળવા આવ્યો છું.
અમે ભારતમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે. અને ગ્લોબલ સાઉથ સાથે અનુભવ શેર કરવા આવ્યો છું. મોદીએ તેમના પ્રવચનમાં ખાસ કરીને રાષ્ટ્ર સંઘમાં હવે ગ્લોબલ સાઉથનો અવાજ મજબુત બને તેની આવશ્યકતા ગણાવી હતી.
મોદીએ કહ્યું કે કોરોના કાળ સમયે વિશ્વના 150 દેશોને ભારતે મદદ કરી હતી.
જયારે કોઇપણ આપતિ આવે છે ત્યારે ભારત સૌથી પહેલો જવાબ આપે છે અને આજે ભારતનો અવાજ એ દુનિયા માટે એક આશા બની ગયો છે. મોદીએ જણાવ્યું કે ભારત આગ જેવું નથી પરંતુ પ્રકાશ આપનાર સૂર્ય જેવા છીએ.
વિનાશમાં ભારતની કોઇપણ ભૂમિકા નથી અને વિશ્વની 17 ટકા વસ્તી ભારતમાં રહેતી હોવા છતાં પણ કાર્બન ઉત્સર્જનમાં ફકત 4 ટકાનો જ અમારો ફાળો છે અને તે પણ ઘટી રહ્યો છે.
મોદીએ તેમનું શાસન મોડેલ રજુ કર્યુ હતું અને કહ્યું કે અમે રપ કરોડ લોકોને 10 વર્ષમાં ગરીબીમાંથી બહાર કાઢયા છે. જે વિશ્વ માટે એક મોડેલ બની શકે છે.