રાષ્ટ્રીય રિપોર્ટનાં વિશ્લેષણના આધારે IIM (અમદાવાદ)નો ‘વુમન એમ્પાવરમેન્ટ ઈન્ડેકસ’
- મોરબી – ગીરસોમનાથ – રાજકોટ તથા જુનાગઢની મહિલાઓ 6.9 થી 8 કલાક રોજગાર – વ્યવસાયમાં ગાળે છે
- સૌથી વધુ ઘરકામમાં સમય આપવામાં મોરબી-રાજકોટ-પોરબંદરની મહિલાઓની વધુ ટકાવારી
- જમીન-મકાન માલિકીમાં ટોપ-ફાઈવમાં મોરબી સામેલ ઉચ્ચ શિક્ષિત મહિલાઓની ટકાવારીમાં રાજકોટ ત્રીજા ક્રમે
ગુજરાતમાં મહિલાઓને પારિવારીક સ્વતંત્રતા વધુ છે રાજકીય સરેરાશ કરતા ગુજરાતમાં મહિલાઓના નામે જમીન-મકાન કે પ્રોપર્ટી વધુ છે. એટલુ જ નહિં પરિવારનાં નાણાકીય સંચાલનની ટકાવારી પણ વધુ છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વે દ્વારા 2019 થી 2021 માં કરાયેલા જીલ્લાવાર સર્વેમાં એવુ તારણ નીકળ્યુ હતું કે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ 5.3 ટકા મહિલાઓ પોતાના નામે જમીન-મકાન કે પ્રોપર્ટી ધરાવતી હતી. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી આ ટકાવારી 5.6 ટકા છે.
ગુજરાતના 33 માંથી 12 જીલ્લામાં ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે.આજ રીતે 1.7 ટકા મહિલાઓએ સ્વીકાર્યુ હતું કે પારિવારીક ખર્ચ કે પતિ-પરિવારની કમાણી તથા બેંક ખાતાઓમાં તેમની વાત સંભળાય છે અથવા તેનું સંચાલન તેઓ કરે છે. આ પ્રમાણ પણ રાષ્ટ્રીય સ્તરના 1.2 ટકા કરતાં વધુ છે.
ગુજરાતના 22 જીલ્લાઓમાં આ ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. આઈઆઈએમ (અમદાવાદ) દ્વારા રીપોર્ટનાં વધુ ઉંડાણપૂર્વકનાં વિશ્લેષણના આધારે પ્રથમ વખત વુમન એન્વાયરમેન્ટ ઈન્ડેકસ (મહિલા સશકિતકરણ આંક) તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વના તારણોમાં આવક તથા આર્થિક મોરચે વધુ સ્વતંત્રતા તથા ઘરબહાર નિકળવાની પણ છુટછાટ ધરાવે છે.
આઈઆઈએમ (એ)નાં આ વિશ્લેષણ રીપોર્ટમાં કેટલાંક મહત્વના સંકેતો પણ બહાર આવ્યા છે. ગુજરાતમાં મહિલાઓના નામે જમીન કે મકાનનું સૌથી વધુ પ્રમાણ 11.1 ટકા છોટા ઉદેપુરમાં છે મોરબી 8.1 ટકા સાથે ટોપ ફાઈવમાં સામેલ છે.
ઉચ્ચ શિક્ષિત મહિલાઓની ટકાવારીમાં રાજકોટનો ક્રમ ત્રીજો છે. સમગ્ર દેશમાં 14.4 ટકા, મહિલાઓ ઉચ્ચ શિક્ષિત છે. ગુજરાતમાં 11.3 ટકાએ પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછુ છે. વડોદરામાં સૌથી વધુ 23.8 ટકા મહિલા ઉચ્ચ શિક્ષિત છે. બીજા ક્રમે અમદાવાદમાં 22.3 ટકા તથા ત્રીજા ક્રમે રાજકોટમાં આ પ્રમાણ 19.8 ટકા છે.
પતિની આવકના સંચાલનમાં મહિલાઓની હિસ્સેદારી રાષ્ટ્રીય સ્તરે 1.2 ટકા સામે ગુજરાતમાં 1.3 ટકા છે.નવસારી 3.3 ટકા સાથે ટોચ પર છે. ટોપ ફાઈવમાં 2.2 ટકાએ બોટાદનો સમાવેશ થાય છે.
રોજગારી-નોકરી કરતી મહિલાઓનાં કામનાં સરેરાશ કલાકો રાષ્ટ્રીય સ્તરે 5.5 છે. ગુજરાતમાં 3.7 કલાક છે. તેમાં મોરબી ટોપ પર છે. જયાં રોજગાર-વ્યવસાય માટે મહિલાઓ સરેરાશ 8 કલાક કામ કરે છે.ગીર સોમનાથમાં પણ 8 કલાક તથા રાજકોટ-જુનાગઢમાં સરેરાશ 6.9 કલાક છે.
મહિલાઓનાં ઘરકામનો લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાત અને રાષ્ટ્રીય સરેરાશ 5.2 કલાકની સમાન છે.તેમાં મોરબીની મહિલાઓ સૌથી વધુ 6.6 કલાક ઘરકામ કરે છે. બીજા ક્રમે રાજકોટની મહિલાઓ 6.5 કલાક, ગીર સોમનાથની 6.1 કલાક તથા પોરબંદરની મહિલાઓ 6 કલાક ઘરકામ કરે છે.