બંગાળની ખાડીમાં આકાર લેતું સાયકલોનિક સર્કયુલેશન
મધ્ય – દક્ષિણ ગુજરાતમાં મધ્યમ અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે અને સૂર્ય પ્રકાશિત વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.
ત્યારે, હવે ફરી આવતા સપ્તાહ દરમ્યાન સૌરાષ્ટ્ર- ગુજરાતમાં અમૂક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે તો અનેક જગ્યાએ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી રાજય હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્કયુલેશન આકાર લઈ રહ્યું છે આથી આવતા સપ્તાહ દરમ્યાન સાત દિવસ સુધી સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડશે.
જયારે ગુજરાતમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. અને ઠેર ઠેર હળવાથી મધ્યમ વરસાદ પડશે. ખાસ કરીને આગામી તા.25થી 28 દરમ્યાન વરસાદની શકયતા વધુ રહેશે.
આમ હવે પરી આવતા સપ્તાહમાં રાજયમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. દરમ્યાન રાજકોટ શહેરમાં આજરોજ પણ સુર્ય પ્રકાશિત હવામાન રહેવા પામ્યું હતું.
સવારે 8-30 કલાકે શહેરનું તાપમાન 26.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.1 ડિગ્રી રહ્યું હતું. તથા હવામાં ભેજ 87 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 12 કી.મી. હતી. ઉપરાંત બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજ 53 ટકા રહ્યો હતો. તેમજ પવનની ઝડપ 6 કિ.મી. પ્રતિકલાક રહી હતી.