ચેન્નાઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં ગજબ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ભારતના ધૂરંધરો ફ્લોપ રહ્યા બાદ અશ્વિન અને જાડેજાએ બાજી સંભાળી હતી તો બોલિંગમાં જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશને તેની ધારનો સ્વાદ ચખાડ્યો છે.
અમદાવાદઃ ભારતે કપરી પરિસ્થિતિમાંથી ઉગરીને બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં કમાલ કરી દીધી હતી. જેમાં અશ્વિન, જાડેજા અને યસસ્વી જયસ્વાલની શાનદાર રમતના કારણે ભારતે બાંગ્લાદેશ સામે પહેલી ઈનિંગ્સમાં 376 રન બનાવ્યા હતા. જે બાદ બાંગ્લાદેશની સ્થિતિ વાગ્યા મેઘ ગાજ્યા નહીં જેવી સ્થિતિ સર્જાઈ હતી.
કારણ કે જસપ્રીત બુમરાહ સહિતના ભારતીય બોલરોની સ્ફોટક બોલિંગ સામે બાંગ્લાદેશ ભારતના ટાર્ગેટ સામે અડધા રન પણ બનાવી શક્યું નહોતું.
ભારતે આજે પહેલી ટેસ્ટના બીજા દિવસે 4 વિકેટ ગુમાવીને બાંગ્લાદેશ સામે સારો ટાર્ગેટ ઉભો કર્યો હતો. જોકે, બાંગ્લાદેશ તરફથી એકમાત્ર ખેલાડી અંગત સ્કોરને 30ને પાર લઈ જઈ શક્યો હતો. જસપ્રીત બુમરાહની ધારદાર બોલિંગનો પરચો બાંગ્લાદેશને પહેલી જ ઓવરમાં મળી ગયો હતો.
જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં શાદમાન ઈસ્લામને સ્ટમ્પની આસપાસ બોલ નાખીને કન્ફ્યુઝ કરી નાખ્યો હતો. મેચના બીજા બોલ પર બેટિંગમાં આવેલા સદામે પહેલા બોલે 2 રન બનાવી લીધા પછી બાકીના ત્રણ બોલ રમવામાં ભારે કન્ફ્યૂઝ થઈ ગયો હતો અને ઓવરના અંતિમ બોલ પર તે બોલ્ડ થઈ ગયો હતો.
આ પછી બાંગ્લાદેશની વિકેટ પડવાનો સિલસિલો યથાવત રહ્યો અને 40 ઓવરમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ પછી શાકીબ અને લિટન દાસે પીચ પર પગ જમાવવાની કોશિશ કરી પરંતુ તેઓ લાંબું ટકી શક્યા નહોતા અને બન્ને રવિન્દ્ર જાડેજાનો શિકાર બનાવ્યા હતા.
આમ બાંગ્લાદેશની આખી ટીમ 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4, સિરાજ મોહમ્મદે 2, આકાશ દીપે 2 અને રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ લીધી હતી. બીજો દિવસ અડધો થયો ત્યાં તો બન્ને ટીમની પહેલી ઈનિંગ્સ પૂર્ણ થઈ ગઈ છે.
પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડીને આવેલી બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ મેચની શરુઆતમાં ફૂલ ફોર્મમાં દેખાઈ રહી હતી પરંતુ અશ્વિન અને જાડેજાએ તેમની મહેમનત પર પાણી ફેરવી દીધું હતું. પહેલી ઈનિંગ્સમાં રોહિત, ગિલ, કોહલી અને કેએલ રાહુલ નિષ્ફળ રહ્યા હતા.
ભારત તરફથી પહેલી ઈનિંગ્સમાં અશ્વિન (113), રવિન્દ્ર જાડેજા (86), યશસ્વી જયસ્વાલ (56) અને રિષભ પંત (39)ના યોગદાનથી ભારતીય ટીમ પહેલી ઈનિંગ્સના અંતે સ્કોરને 376 રન પર પહોંચાડ્યો હતો.