મોરબી જિલ્લામાં આજરોજ વાંકાનેર ખાતે વાંકાનેર તાલુકા હેલ્થ કચેરી, GCRI – અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર – રાજકોટના સંયુક્ત ઉપક્રમે કેન્સર અંગેના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્સર જાગૃતિ માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કેન્સર અંગેના જુદા જુદા કેમ્પ રાખી લોકોની કેન્સર અંગેની તપાસ, નિદાન તથા જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી. મહેતાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન માટે સ્ક્રિનિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો.
આ આરોગ્ય કેમ્પનો વાંકાનેર નિવાસી તેમજ આસપાસના ગ્રામજનોએ લાભ લઈ કેન્સર અંગે તપાસ કરાવી હતી. આ કેમ્પના આયોજનને સફળ બનાવવા માટે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર, એનટીસીપી સોશિયલ વર્કર, ટંકારા તાલુકા સુપરવાઇઝર તથા અન્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.