કેન્દ્રીય ટીમ દ્વારા હળવદ અને માળીયાના વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતનું મૂલ્યાંકન કર્યું
મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના સર્વે અને મૂલ્યાંકન માટે દિલ્હી ખાતેથી આવેલી કેન્દ્રીય ડિઝાસ્ટરની ટીમ દ્વારા મોરબી જિલ્લાના માળીયા તથા હળવદ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી પરિસ્થિતનો તાગ મેળવ્યો હતો.
કેન્દ્રીય ટીમ દ્વારા હળવદ ખાતે બેઠક યોજી રેડ એલર્ટના પગલે મોરબી જિલ્લામાં પડેલા વરસાદ, ડેમના ખોલવામાં આવેલા દરવાજા અને છોડવામાં આવેલા પાણી, વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારી, પૂરની સ્થિતિ અન્વયે તૈનાત રાખવામાં આવેલી એસ.ડી.આર.એફ., એન.ડી.આર એફ. તથા આર્મીની રેસ્ક્યુ ટીમ અને તેની કામગીરી, જિલ્લામાં થયેલું સ્થળાંતર અને આશ્રયસ્થાનો, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, રોડ અને વીજપોલને થયેલ નુકસાન, ખેતીવાડીમાં થયેલ નુકસાન તથા સર્વેની કામગીરી અને સર્વેના પેરામીટર્સ, વિવિધ સહાય અને કેશડોલની ચુકવણી તથા પૂરની સ્થિતિ દરમિયાન અને ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી સહિતના મુદ્દાઓ અંગે તલસ્પર્શી સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય ડિઝાસ્ટર ટીમમાં આવેલા ડાયરેક્ટરેટ ઓફ મિલેટ ડેવલપમેન્ટ જયપુરના ડાયરેક્ટર ડો. સુભાષ ચંદ્રા, રૂરલ ડેવલપમેન્ટ (દિશા ડિવીઝન)ના ડેપ્યુટી ડાયરેક્ટર(આર.સી.) અને એક્ઝીક્યુટીવ એન્જીનિયર સૌરવ શિવહારે સહિતના અધિકારીઓ દ્વારા (હળવદ અને માળીયા વિસ્તારમાં પડી ગયા બાદ ઉભા કરેલા વીજપોલ, રીપેર થઈ ગયેલા રસ્તાઓ પાક ધોવાઈ ગયો હોય તેવા ખેતર અને અસરગ્રસ્ત ગામની મુલાકાત કરી હતી.
માળીયાના હરીપર ગામે આ ટીમ દ્વારા ગામના સરપંચ અને ગ્રામજનો સાથે સંવાદ સાધી પૂર દરમિયાન તેમને પડેલી સમસ્યા, વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સહાય, ગામમાં ખેતીવાડી અને પશુ મૃત્યુ સહિતના નુકસાન અને તે માટે ચુકવવામાં આવેલા કેશડોલ્સ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન આ ટીમ સાથે હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, માળીયા મામલતદાર કે.વી. સાનિયા, હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડિયા, વિસ્તરણ (ખેતી) અધિકારી પરસાણીયા, બાગાયત અધિકારી ભાવેશ કોઠારીયા ખેતી અધિકારી ડો. હસમુખ ઝિંઝુવાડીયા તેમજ માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.