(રિપોર્ટ : અજય કાંજીયા ) વાંકાનેર : જન્મ દિવસ એટલે હરવું ફરવું અને દિવસભર મોજ કરવી હોટેલમાં પાર્ટીઓ ગોઠવવી અને પિકચર જોવા વગેરે ફાલતુ ખર્ચાઓ અને તે પણ બિનજરૂરી આ એક પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વાંકાનેર ભાજપના પ્રથમ હરોળના અગ્રણી શૈલેષભાઈ ઠક્કરના જન્મ દિવસની ઉજવણી વિવિધ સંસ્થાઓ દ્વારા અનોખી રીતે કરી હતી જે સમાજને પ્રેરણા પૂરી પાડે સાથે જ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે ઉપયોગી બને તેવા કાર્યક્રમો યોજવામાં આવેલ.
શહેરના ગઢિયા હનુમાન મિત્ર મંડળ, સંતગણ , ગૌ સેવકો , ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ, પર્યાવરણ પ્રેમીઓ તેમજ શહેરના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા રાજકીય સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે એક અનોખું સ્થાન ધરાવતા શૈલેષભાઈ ઠક્કરના જન્મ દિવસની ઉજવણી વિવિધતા સભર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરુઆત સવારે ગંગેશ્વર મહાદેવ મંદિરે શૈલેષભાઈ દ્વારા ધ્વજાજી ની પૂજા અર્ચના બાદ ધ્વજા રોહણ સાથે કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. બાદમાં મંદિરના પટાંગણમાં વૃક્ષા રોપણ કરાયું હતું. ત્યાર બાદ ઉપસ્થિતિ કેરાળા ધામ જગ્યાના મહંત મુકેશભગત , ગાયત્રી શક્તિપીઠ મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, રૂગનાથજી મંદિરના સંચાલક રેવાદાસજી આપા ઝાલાની જગ્યાના કોઠારી મગનીરામદાસજી તેમજ નાગા બાવાજી મંદિરના મહંત ખુશાલદાસજી સહિતના સંતોનું ઠક્કર દ્વારા સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવીને સન્માન કરી ભેટ પૂજા કરી હતી સાથે જ શહેરના વિવિધ ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના શ્રેષ્ઠીઓ નું સન્માન કરી મોમેંટો અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શૈલેષભાઈ ઠક્કરને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી તેમજ શહેર તથા તાલુકાના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે પ્રસાદ ગ્રહણ કરેલ.
બપોર બાદ જરૂરિયાતમંદ બાળકો ને બટુક ભોજન કરાવી સમય પસાર કર્યો હતો. ગરીબ પરિવારના બાળકોના પરિવારજનોને શિક્ષણ આપવા માટે આહ્વાન કરવામાં આવેલ જેના માટે જરૂરી પ્રોત્સાહન આપવા માટેની તૈયારી દેખાડી હતી. સાંજે સાડા સાત વાગ્યે ગંગેશ્વર મહાદેવ મંદિરે શૈલેષભાઈ ઠક્કરને આશીર્વાદ આપવા ગંગેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા ગંગેશ્વર મહાદેવને ઉજ્જૈન મહાકાલની આબેહૂબ મહાકાલનો શણગાર કરાયો હતો અને ભસ્મ આરતીનું આયોજન કરાયું હતું. મહાકાલની આબેહૂબ શણગાર કરવા વાંકાનેરના નિવૃત્ત આર્મી મેન ક્રિષ્નાસિંહ ઝાલા ને ખાસ બોલાવાયા હતા. જ્યારે ભસ્મ આરતી માટે છોટી કાશી હળવદથી ભૂદેવ પધારેલ. ઉપસ્થિત લોકોએ ભસ્મ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અંતમાં રાત્રે વિવિધ સંસ્થાઓ દ્વારા શૈલેષભાઈ ઠક્કરને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી જીવનમાં હંમેશા ધાર્મિક સામાજિક કાર્યો કરવાની પ્રેરણા મળે તેવી શુભકામના પાઠવી હતી સાથે જ રાજકીય કારકિર્દી માં સફળતા મળે તેવા સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા આશીર્વાદ આપવામાં આવેલ.