અનિલ અંબાણીની માલિકીના રિલાયન્સ ગ્રુપે કાર માર્કેટમાં મોટો ધમાકો મચાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઇલેક્ટ્રિક કાર અને બેટરી બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે.
આ માટે રિલાયન્સ ઇન્ફ્રાએ ચીનની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની BYDના એક પૂર્વ અધિકારીને પોતાની સાથે જોડ્યા છે.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈવી પ્લાન પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. તેમણે ઈવી પ્લાન્ટ પર આવનારા ખર્ચ માટે રિસર્ચ શરૂ કરી દીધું છે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.5 લાખ વાહનોની હશે. આને આગામી કેટલાક વર્ષોમાં 7.50 લાખ વાહન સુધી વધારી શકાશે. આ ઉપરાંત કંપની 10 ગીગાવોટ અવર્સની ક્ષમતા વાળો બેટરી પ્લાન્ટ પણ લગાવવા માંગે છે.
આને પછીથી 75 ગીગાવોટ અવર્સ સુધી પહોંચાડવામાં આવશે. જોકે, આ રિપોર્ટ આવ્યા પછી કંપનીના શેરોમાં લગભગ 2 ટકાનો ઉછાળો આવ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આ પ્રોજેક્ટ માટે ઇઢઉના એક પૂર્વ અધિકારી સંજય ગોપાલકૃષ્ણનને તાજેતરમાં પોતાની સાથે જોડ્યા છે. તેઓ એક ક્ધસલ્ટન્ટ તરીકે આ પ્રોજેક્ટ સાથે જોડાયા છે.
મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ પોતાનો વ્યવસાય 2005માં અલગ કરી લીધો હતો. ત્યારબાદ અનિલ અંબાણીના નેતૃત્વ વાળું ગ્રુપ કોઈ ખાસ કમાલ કરી શક્યું નહીં, પરંતુ મુકેશ અંબાણીના નેતૃત્વ વાળા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓઈલ, ગેસ, ટેલિકોમ અને રિટેલ જેવા ઘણા સેક્ટરમાં પોતાનો દબદબો જમાવી લીધો છે.