મહાનુભાવોના હસ્તે ૭ શ્રેષ્ટ શિક્ષકો અને ૧૭ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું બહુમાન કરી શિક્ષક દિનની ઉજવણી કરાઈ
“બાળક એ ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ છે જેને ખીલવવાનું સૌભાગ્ય શિક્ષકોને મળ્યું છે”
“શિક્ષક અને બાળકો વચ્ચે અભયનું વાતાવરણ હોવું જોઈએ”
“અનેક સફળ વિભૂતિઓની પાછળ તેમના શિક્ષક કે ગુરુઓની પ્રેરણા મહત્વની”
મોરબીમાં ધી.વી.સી. હાઇસ્કૂલ ખાતે જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
કહેવાય છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, ત્યારે ભારતના શિક્ષકોને તેમના અથાક પ્રયત્નો અને સમર્પણભાવ માટે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે ૫ સપ્ટેમ્બરે ઉજવવામાં આવતા રાષ્ટ્રીય તહેવારના આ દિવસે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ એક મહાન શિક્ષક, વિદ્વાન અને દાર્શનિક હતા. શિક્ષક તરીકે તેમની કર્મનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠા ને હ્રદયમાં અદકેરું સ્થાન આપી તેમની એ નિષ્ઠાને પોંખવા માટે આ દિવસની સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં ધી.વી.સી. હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો શિક્ષક દિનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ૧ અને તાલુકા કક્ષાએ ૬ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે પારિતોષિક અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૧૭ પ્રતિભાવશાળી વિદ્યાર્થિને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, બાળકો માટે શિક્ષકની સાથે વાલીની પણ જવાબદારી એટલી જ છે. આજના સમયે બાળકો મોબાઇલ તરફ વધુ વળી રહ્યા છે ત્યારે બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું યોગ્ય સિંચન થાય તે આજની પરિસ્થિતિની સૌથી મોટી માંગ છે.
સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ રામચરિત માનસના શ્લોકને ટાંકતા જીવનમાં ગુરુના મહત્વ અંગે અસંખ્ય દાખલાઓ વર્ણવી વિગતે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ માં ભારત દેશને વિકસિત બનાવવાનું જે લક્ષ્ય દેશને આપ્યું છે, તે માટે અત્યારના બાળકોનું ટેલેન્ટ જોતા લાગે છે કે આ લક્ષ્ય ૨૦૪૭ પહેલા જ હાંસલ થઈ જશે.
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી શાળામાં તેને અનુરૂપ વાતાવરણ આપવા શિક્ષકઓને તેમણે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દુનિયાના તમામ વ્યવસાયમાં એક શિક્ષકનો વ્યવસાય જ એવો છે કે જેની પાસે બાળકો હરખે હરખે આવે છે. બાળક એ ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ છે જેને ખીલાવાનું સૌભાગ્ય શિક્ષકોને મળ્યું છે. શિક્ષક અને બાળકો વચ્ચે અભયનું વાતાવરણ હોવું જોઈએ.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી અભિગમના પગલે શિક્ષણ ક્ષેત્રે ધરખમ ફેરફારો આવ્યા છે. આજે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અધ્યતન કોલેજના ભવનો જેવી બની ગઈ છે. શાળાઓમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ વગેરે જેવા અભિગમ થકી શિક્ષણ વધુ મજબૂત બન્યું છે. વધુમાં તેમણે દેખાદીખીમાં ખાનગી શાળાઓનો મોહ રાખે સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવાની બાબત પર પણ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, અનેક સફળ વિભૂતિઓની પાછળ તેમના શિક્ષક કે ગુરુઓની પ્રેરણા મહત્વની સાબિત થઈ છે. દેશની ઉન્નતીમાં શિક્ષકોનો સિહફાળો છે ત્યારે શિક્ષકો પણ તેમની આ મહાન શક્તિ પ્રત્યે ફરજ નિષ્ઠ બની તેમનું કર્તવ્ય નિભાવે તે પણ ખૂબ જરૂરી છે.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ ભાઈ મોતાએ કર્યું હતું જ્યારે આભારવિધિ પ્રવીણભાઈ અંબારીયાએ કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા,
રાજકીય અગ્રણી રણછોડભાઈ દલવાડી સહિત અગ્રણીઓ, સન્માનિત શિક્ષકઓ અને તેમના પરીજનો, જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યઓ, શિક્ષક, બાળકો અને તેમના વાલીઓ તથા મોરબીવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.