જિલ્લાની નગરપાલિકાઓમાં ટીમો બનાવી વરસાદ બાદ લોકોની સુવિધા માટે યુદ્ધના ધોરણે કરાઈ રહી છે કામગીરી
વરસાદ બાદ હાલ મોરબીમાં નગરપાલિકા અનેક વિસ્તારોમાં પાણી નિકાલ, રોડ રસ્તાના રીપેરીંગ તેમજ સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી છે.
વરસાદે વિરામ લીધા બાદ સરકાર દ્વારા રોડ રસ્તા ના સમારકામ વીજ પુરવઠો પૂર્વવત્ કરવો અને સાફ-સફાઈ તેમજ સેનિટેશનની કામગીરીને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ત્યારે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની સૂચનાથી જિલ્લાની નગરપાલિકાઓમાં પાણી નિકાલ તેમજ સાફ-સફાઈ માટે ખાસ ટીમોની રચના કરવામાં આવી છે.
ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા પણ રોડ રસ્તાઓના પેચ વર્ક તેમજ સાફ-સફાઈ સહિતની કામગીરી માટે વિસ્તાર મુજબ વિવિધ ટીમ બનાવી કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબી નગરપાલિકા હસ્તક નગર દરવાજા થી ગ્રીન ચોક રોડ અને તેની આજુબાજુનો તમામ વિસ્તાર ઉપરાંત જેલ રોડથી મચ્છુમાંનું મંદિર તરફના રોડની જવાબદારી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપરાંત નોડલ ઓફિસર તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસને સોંપવામાં આવી છે.
અધિકારીઓના માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા નગર દરવાજાથી ગ્રીન ચોક મુખ્ય રોડ તેમજ તેની આજુબાજુના વિસ્તારની તમામ નાની મોટી શેરીઓમાં પાણી નિકાલ રોડ અને રસ્તામાં પેચ વર્ક કરી રોડ સમારકામ કરવાની કામગીરી તેમજ સાફ-સફાઈ, ફોગીંગ અને દવા છંટકાવની કામગીરી સફળ રીતે કરવામાં આવી છે.
ઉપરાંત જેલ રોડ થી મચ્છુમાંનું મંદિર તરફના રોડની કામગીરી પણ હાલ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે જે આજ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું પણ નોડલ અધિકારીએ જણાવ્યું હતું.