પોલેન્ડ-યુક્રેનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને એવો સંદેશો આપ્યો છે કે વર્તમાન યુગ યુદ્ધનો નથી અને વાતચીત – રાજદ્વારી પગલાઓથી કોઈપણ મુદ્દાના સમાધાન શકય છે.
વડાપ્રધાન મોદીનો આજે પોલેન્ડમાં પ્રવાસનો બીજો દિવસ છે. રાત્રે ટ્રેનમાર્ગે યુક્રેન જવાના છે. રશિયા સાથે યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનના પ્રવાસ પુર્વે જ મોદીએ એક કાર્યક્રમમાં એમ કહ્યું કે ભારત હંમેશા વાતચીત તથા રાજદ્વારી કદમ થકી કોઈપણ વિવાદનું સમાધાન કરવાના પક્ષમાં છે.
તેઓએ કાયમી શાંતિનો મેસેજ પાઠવતા કહ્યું કે અત્યારનો યુગ યુદ્ધનો નથી અને કોઈપણ વિવાદનો ઉકેલ સમાધાનથી શકય છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ છેલ્લા એકાદ અઠવાડિયાથી વધુ ભયાનક બન્યુ છે અને તેવા સમયે મોદીની યુક્રેન મુલાકાતને સૂચક ગણવામાં આવી રહી છે. વિશ્વભરની તેના પર નજર છે.
અત્યાર સુધી બચાવની સ્થિતિમાં રહેલુ યુક્રેન હવે રશિયામાં ઘુસીને હુમલા શરૂ કર્યા છે. રશિયાની કેટલીક જમીન પર પણ કબ્જો કર્યો છે.
ભારતીય વડાપ્રધાન મોદી યુક્રેન પ્રવાસ પુર્વે બે દિવસ પોલેન્ડમાં રોકાયા છે અને ભારતીયોને મળવા ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેઓ પોલેન્ડના વડાપ્રધાનને પણ મળ્યા હતા અને દ્વિપક્ષી સંબંધો પર વાતચીત કરી હતી.
45 વર્ષ બાદ કોઈપણ ભારતીય વડાપ્રધાને પોલેન્ડની મુલાકાત લીધી છે જયાં મોદીનું સ્વાગત પણ અભૂતપૂર્વ રીતે થયુ હતું. તેઓ ખાસ ટ્રેનમાં યુક્રેન જવાના છે તેના પર દુનિયાભરની નજર રહે તેમ છે.