મોરબીના હળવદ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન અપાયું

હળવદ-મોરબી એફ.પી.ઓ. દ્વારા પ્રાકૃતિક કૃષિની પેદાશના સ્ટોરનો આરંભ કરાયો

તાલુકા અને જિલ્લા કક્ષાના એવોર્ડ વિજેતા ખેડૂતને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

આત્મા પ્રોજેકટ મોરબી દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અંતર્ગત હળવદ શિશુ મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદમાં શ્રીપ્રભુચરણ દાસજી, કવાડિયા આશ્રમ દ્વારા પ્રાકૃતિક કૃષિ અને ગૌમાતાનું આપણા જીવનમાં મહત્વ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ શ્રી ભક્તિનંદન સ્વામી, જુનું મંદિર ટાવર – હળવદ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતોને માહિતી આપી હતી.

શ્રી અચ્યુતભાઈ પટેલ અને જયેશભાઈ દ્વારા પ્રાકૃતિક કૃષિનાં એફ.પી.ઓ વિષે માહિતી આપી હતી તેમજ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય અને એફ.પી.ઓ સાથે જોડાય તેવી અપીલ પણ તેમણે કરી હતી. એફ.પી.ઓ. દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં હળવદ-મોરબી એસ.પી.એન.એફ. (એફ.પી.ઓ.) દ્વારા પ્રાકૃતિક કૃષિની પેદાશના સ્ટોરનું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘઘાટન કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. હળવદની જનતાને પ્રાકૃતિક કૃષિની પેદાશો મળી રહે તેમજ ઝેર મુક્ત ખોરાક મેળવી શકે તેવા ઉદેશ્યથી આરંભ કરવામાં આવેલા આ સ્ટોલનો સૌએ લાભ લેવા પણ અપીલ કરવામાં આવી હતી.

ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાના એવોર્ડ વિજેતા ખેડૂતને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનાં અંતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી હિમાંશુ ઉશદડીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

error: Content is protected !!
Exit mobile version