રિંકુ સિંહ IPL 2023માં ભારે ચર્ચામાં હતો. તેણે ગુજરાત ટાઇટન્સ સામે એક મેચમાં છેલ્લી ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. ત્યાર બાદ રિંકુ સિંહ માટે ટીમ ઇન્ડિયાના દરવાજા ખુલી ગયા. તે ભારતની ટી20 ટીમનો લગભગ ફાઇનલ સભ્ય બની ચૂક્યો છે. પરંતુ રિંકુ સિંહ માટે અહીં પહોંચવું સરળ નહોતુ, તે એક ગરીબ પરિવારમાંથી આવે છે.
જણાવી દઈએ, રિંકુ સિંહના પિતા ખાનચંદ્ર સિંહ એલપીજી સિલિન્ડરની ડિલીવરી કરવાનું કામ કરતા હતા. તેના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. પિતા ખાનચંદ્ર સિંહને દીકરાનું ક્રિકેટ રમવું બિલકુલ પસંદ નહોતુ. રિંકુ હંમેશા પિતાને ખબર ન પડે તે રીતે ક્રિકેટ રમતો હતો. જોકે ભારતીય ક્રિકેટર રિંકુ સિંહને તેની માં દ્વારા પૂરતો સપોર્ટ મળતો હતો. રિંકુએ પોતાના સંઘર્ષની કહાની જણાવતા કહ્યું હતુ કે, એક સમયે તે ઉધાર પૈસા લઈને ટુર્નામેન્ટ રમવા ગયો હતો. તેને પૈસા તેની માંએ એક દુકાનદાર પાસેથી અપાવ્યાં હતા.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા સાથે વાત કરતા રિંકુએ પોતાના સંઘર્ષની કહાની જણાવી હતી. રિંકુએ પોતાની સંઘર્ષ ગાથામાં કહ્યું કે, “પિતાજી સપોર્ટ નહોતા કરતા. માં થોડો ઘણો સપોર્ટ કરતી હતી. હું પહેલીવાર કાનપુર ગયો હતો હોસ્ટલની ટુર્નામેન્ટ રમવા, તો માંએ એક દુકાનદાર પાસેથી 1 હજાર રૂપિયા માંગીને મને આપ્યાં હતા.”
તેણે આગળ કહ્યું કે, “પિતાજી રમતો જોઈ જતા તો ખૂબ મારતા હતા. મારો ભાઈ કોચિંગ સેન્ટરમાં કામ કરે છે, તો તે મને નોકરી માટે લઈને ગયો હતો. મને પોતુ મારવાની નોકરી મળી. કહેતા હતા કે, વહેલી સવારે નિકળી જજે કોઈને ખબર નહીં પડે.
2012માં સ્કૂલની એક ટુર્નામેન્ટનું એલાન થયું. જેમાં શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દુબઈની ટીમો આવી હતી. તેમાં હું મેન ઓફ ધ ટુર્નામેન્ટ હતો અને મને બાઇક મળી હતી. ત્યાંરથી મારું ક્રિકેટ કરિયર શરૂ થયું.”
પછી આકાશ ચોપરાએ રિંકુને પૂછ્યુ કે, આઈપીએલમાં 80 લાખમાં વેંચાયા પછી પરિવારનું રિએક્શન કેવું હતુ? તેના જવાબમાં રિંકુએ કહ્યું, “મને આશા હતી કે હું આટલા રૂપિયામાં જઈશ, ઘરવાળા ખૂબ ખુશ હતા. તેનાથી જ ઘર બંધાવ્યું.”