Sunday, September 15, 2024
HomeFeature‘વન નેશન, વન ઈલેકશન’ માટે મોદીનુ આહવાન: મેડીકલમાં 75000 બેઠકો વધારાશે

‘વન નેશન, વન ઈલેકશન’ માટે મોદીનુ આહવાન: મેડીકલમાં 75000 બેઠકો વધારાશે

2047માં વિકસીત ભારતની સાથોસાથ ‘સ્વસ્થ ભારત’નુ લક્ષ્ય

◙ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા વિશે ચિંતા; રક્ષણ કરવા સરકાર કટીબદ્ધ

◙ મહિલા અત્યાચાર રોકવા ઝડપી પ્રક્રિયા-કડક સજા: કોલકતા રેપકાંડનો આડકતરો નિર્દેશ

◙ મોટાપાયે સુધારાથી દેશ મજબૂત: રોકાણ માટે વિદેશી ઈન્વેસ્ટરોની લાઈન

◙ સરકારી કામ માટે લોકોની લાચારીની સ્થિતિ દુર કરાઈ

◙ 40 કરોડ લોકો દેશને આઝાદી અપાવી શકે તો 140 કરોડ લોકો શું ન કરી શકે?

લાલકિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના 57 મીનીટ લાંબા ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દાઓને આવરી લીધા હતા તેમાં ‘વન નેશન, વન ઈલેકશન’નો મુદ્દો પણ છેડયો હતો.

તેઓએ એક રાષ્ટ્ર, એક ચુંટણી વિશે મજબૂત પક્ષ રજુ કરતા જણાવ્યું હતું કે આ સ્વપ્ન સાકાર કરવા માટે તમામ રાજકીય પક્ષોએ આગળ આવવાની જરૂર છે. વારંવારની ચુંટણીઓને કારણે રાષ્ટ્રના વિકાસમાં અવરોધ સર્જાય છે, પ્રગતિ પ્રભાવિત થાય છે.

આ મુદ્દે દેશભરમાં વિસ્તૃત ચર્ચા-વાટાઘાટો થઈ જ છે. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના અભિપ્રાય-સૂચનો દર્શાવ્યા જ છે. ઉપરાંત કમીટી દ્વારા પણ પોઝીટીવ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.

વડાપ્રધાને કહ્યું કે, વારંવારની ચુંટણી વિકાસમાં અડચણ સર્જે છે. ચુંટણી એક સાથે થવાના સંજોગોમાં સરકારી યોજનાઓ-પહેલને ચુંટણી સાથે જોડી શકવામાં સરળતા રહે છે. વર્તમાન સ્થિતિ એવી છે કે દર ત્રણ કે છ મહિને દેશમાં કયાંક ને કયાંક ચુંટણી થતી જ રહે છે. દરેક કામો ચુંટણી આધારિત બની જાય છે.

વન નેશન, વન ઈલેકશનની દિશા-સમર્થનમાં આગળ આવવા દેશવાસીઓને આહવાન કર્યુ હતું. લોકસભા ચુંટણીના ભાજપના ઢંઢેરામાં પણ આ મુદ્દો સામેલ કરવામાં આવ્યો હોવાનું ઉલ્લેખનીય છે.

► 75000 નવી મેડીકલ બેઠકો

રાષ્ટ્રજોગ ભાષણમાં તેઓએ મેડીકલ શિક્ષણનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. છેલ્લા વર્ષોમાં મેડીકલ શિક્ષણમાં એક લાખ બેઠકો વધારવામાં આવી છે અને હવે આવતા પાંચ વર્ષોમાં વધુ 75000 બેઠકોનો ઉમેરો કરવામાં આવશે.

2047માં દેશને વિકસીત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ-લક્ષ્ય વિશે બોલતા તેઓએ કહ્યું કે આ 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન છે. આઝાદીની લડાઈ વખતે 40 કરોડ ભારતીયો હતો અને તેઓએ દેશને આઝાદી અપાવી હતી. આજે 140 કરોડ ભારતીયો છે તેઓ શું ન કરી શકે? વિકસીત ભારતની સાથોસાથ 2047માં ‘સ્વસ્થ ભારત’નુ નિર્માણ કરવાની પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

► હાથ જોડીને કામ કરાવવાનો ટ્રેન્ડ ખત્મ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અત્યાર સુધી નાગરિકોને સરકારી કામ માટે લાચારી કરવી પડતી. માઈ-બાપ કરીને હાથ જોડવા પડતા હતા પરંતુ વર્તમાન સરકારે આખો દ્દષ્ટિકોણ બદલાવીને સુશાસન આપ્યુ છે.

► બાંગ્લાદેશી હિન્દુઓના રક્ષણની પ્રતિબદ્ધતા

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા-અત્યાચાર વિશે ચિંતા દર્શાવતા તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હાલત ઝડપથી નોર્મલ થઈ જવાનો વિશ્ર્વાસ છે.

► વિદેશીઓની રોકાણ માટે લાઈન

ભારતીય અર્થતંત્રનો નિર્દેશ કરતા તેઓએ કહ્યું કે આર્થિક વિકાસથી પ્રેરાઈને વિદેશીઓ મોટુ નાણાંકીય રોકાણ માટે લાઈન લાગી છે. ભારત માટે સુવર્ણ તક છે. રાજયો પણ પોતપોતાના રાજયમાં મહતમ રોકાણ મેળવવા હરિફાઈમાં ઉતર્યા છે.

► મહિલા અત્યાચારમાં ઝડપી કાર્યવાહી-સજા

મહિલાઓ પર થતા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આપણે ગંભીરતાથી વિચારવું પડશે. આપણી માતા-બહેનો, દીકરીઓ પ્રત્યે જે અત્યાચાર થઇ રહ્યા છે તેના પ્રત્યે જન સામાન્યમાં આક્રોશ છે. દેશના લોકો, સમાજ અને આપણી રાજ્ય સરકારોએ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમુક લોકો નિરાશાવાદી છે, દેશને પાછળ ધકેલવા માગે છે, તેમનાથી બચીને રહેજો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યા કેસમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, ’મહિલાઓ વિરૂધ્ધ રાક્ષસી કૃત્ય કરનારાઓને વહેલી તકે સજા મળવી જોઈએ.’ જોકે, તેમણે તેમના ભાષણમાં ક્યાંય પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી.

► બેંકિંગ ક્ષેત્રમાં ઘણા સુધારા કર્યા: પીએમ મોદી

‘બેંકિંગ સેક્ટરમાં જે સુધારો થયો છે. જરા કલ્પના કરો કે અગાઉ બેન્કિંગ સેક્ટરની શું હાલત હતી, ત્યાં કોઈ વિકાસ નહોતો, કોઈ વિસ્તરણ નહોતું, વિશ્ર્વાસમાં કોઈ વધારો નહોતો થતો. અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા છે. આજે આપણી બેંકોએ વિશ્વની સૌથી મજબૂત બેંકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જ્યારે બેંકિંગ મજબૂત બને છે, ત્યારે અર્થતંત્રની મજબૂતાઈ પણ વધે છે.  

► સૈન્ય સર્જિકલ સ્ટ્રાઈક કરે ત્યારે ગર્વ થાય છે

પીએમ મોદીએ કહ્યું કે, ‘આપણા દેશમાં કરોડો લોકોને કોવિડ રસીકરણનું કામ વિશ્ર્વમાં સૌથી ઝડપી ગતિએ થયું. ક્યારેક આતંકવાદીઓ આપણા દેશમાં આવતા હતા અને આપણને મારીને જતા રહેતા હતા. હવે જ્યારે દેશની સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, જ્યારે દેશની સેના એર સ્ટ્રાઈક કરે છે ત્યારે દેશના યુવાનોની છાતી ગર્વથી ફૂલી જાય છે.

► અમે નેશનલ ફર્સ્ટ સંકલ્પથી પ્રેરિત

પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો કે લોકો દેશ માટે મરવા માટે પ્રતિબદ્ધ હતા. આજનો સમય દેશ માટે જીવવાનો પ્રતિબદ્ધતાનો છે. જો દેશ માટે મર મીટવાની પ્રતિદ્ધતા આઝાદી અપાવી શકે છે તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા સમૃદ્ધ ભારત પણ બનાવી શકે છે. અમારા રિફોર્મ રાજકીય મજબૂરી નથી. અમે નેશનલ ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત છે.

► રાજસ્થાની લહરિયા પ્રિન્ટ પાઘડી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવો અંદાજ

78માં સ્વતંત્રતા દિવસે લાલકિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતે અલગ-અલગ અંદાજમાં જોવા મળતા હોય છે. આ વખતે તેઓ રાજસ્થાની લહેરીયા પ્રિન્ટની પાઘડીમાં નજરે પડ્યા હતાં. આજના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફેદ કુર્તા તથા ચૂડીદારમાં સજ્જ હતા.

ઉપરાંત આછા વાદળી રંગનું જેકેટ પહેર્યું હતું અને માથા પર રાજસ્થાની લહેરિયા પ્રિન્ટની પાઘડી બાંધી હતી. પ્રિન્ટ પાઘડીમાં કેસરી તથા લીલા રંગની લાઇનો હતી.

► 10 વર્ષે વિપક્ષી નેતા સ્વાતંત્ર્ય સમારોહમાં હાજર

લાલકિલ્લા પરના કાર્યક્રમમાં રાહુલ ગાંધી ઉપસ્થિત

લાલ કિલ્લા પર સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામેલ થયા હતા. દસ વર્ષ બાદ પ્રથમ વખત વિપક્ષી નેતા આઝાદી દિનના મુખ્ય સમારોહમાં જોડાયા હતા. સફેદ કુર્તામાં સજજ રાહુલ ગાંધી ઓલિમ્પિકમાં મેડલ જીતનારા મનુ ભાકર, સરબજીતસિંઘ, શ્રીજેશ વગેરે સાથે બેઠેલા દેખાયા હતા.

બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના કપ્તાન હરમનપ્રિત સાથે પણ વાતચીત કરતા નજરે પડયા હતા.

લોકસભામાં સરકારે 2014 થી 2024 સુધી કોઈને વિપક્ષી નેતાપદ આપ્યુ ન હતું. કારણ કે કોઈપણ વિપક્ષની પર્યાપ્ત સભ્ય સંખ્યા ન હતી. 2024ની ચુંટણીમાં કોંગ્રેસને 99 બેઠકો મળતા વિપક્ષી નેતાપદ મળ્યુ હતું. 25 જૂને રાહુલ ગાંધીને લોકસભાના વિપક્ષી નેતાપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ આજે ટવિટ કરીને દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિનની શુભકામના પણ પાઠવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!