શું નરેન્દ્ર મોદી સરકાર 3.0 કોલેજિયમ સિસ્ટમ ખતમ કરવાની દિશામાં વધુ એક પ્રયાસ કરશે? નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા ત્યારે એ જ વર્ષે તેઓ એનજેએસી એક્ટ લાવ્યા હતા, પરંતુ સુપ્રિમ કોર્ટે તેને રદ કરી કોલેજિયમ સિસ્ટમને પુનઃસ્થાપિત કરી હતી. હવે વડાપ્રધાન મોદીએ ફરી એકવાર ન્યાયિક સુધારા પર ભાર મૂક્યો છે અને એક સંકેત આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી ન્યાયિક વ્યવસ્થામાં સુધારાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમને પોતાની સરકારમાં રિફોર્મ્સ પર કરાયેલા કામોની આખી યાદી વાંચી લીધી હતી અને કહ્યું હતું કે હવે ન્યાયિક સુધારનો સમય આવી ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ પાસેથી જ્યારે વિકસિત ભારત 2047 પર સલાહ-સૂચનો માગવામાં આવ્યા ત્યારે તેમને દિલ ખોલીને પોતાનો મત રજૂ કર્યો હતો. આમાંથી સૌથી મોટો મુદ્દો એ હતો કે દેશમાં ન્યાય મળવાનો જે સમય છે તે ઘણો વધારે લાગે છે. જો આપણે વિકસિત રાષ્ટ્ર થવું હોય તો પહેલા ન્યાય મળવાની ઝડપ પર કામ કરવું પડશે તો જ આપણે વિકસિત ભારતનો સંકલ્પ પૂરો થઈ જશે. આના માટે ન્યાય વ્યવસ્થામાં સુધારો કરવાની આવશ્યકતા છે.
CJI ચંદ્રચૂડ સામે PM મોદીએ કહી મોટી વાત
વડાપ્રધાન મોદી જ્યારે મહેમાનોની વાત કરી રહ્યા હતા ત્યારે સામે લાઈનમાં દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પણ બેઠા હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મોદી સરકારના જ્યુડિશિયલ રિફોર્મના પ્રયાસને એવું કહીને ઝાટકો આપ્યો હતો કે તે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં જજોની નિયુક્તિની પ્રક્રિયા કોલેજિયમ સિસ્ટમથી જ થશે. સુપ્રીમ કોર્ટે ત્યારે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમીશનને ગેરબંધારણીય કરાર કરી નિરસ્ત કરી દીધું હતું.
1993નો એ નિર્ણય અને કોલેજિયમ સિસ્ટમની સ્થાપના જુઓ
ઉલ્લેખનીય છે કે વર્ષ 1993માં સુપ્રીમ કોર્ટે ન્યાયિક નિમણૂકોને લઈને નવી વ્યવસ્થા આપી હતી. ત્યારપછી સર્વોચ્ચ અદાલતે ‘કલેક્ટિવ વિઝડમ’ના સિદ્ધાંત પર ભાર મૂકીને કોલેજિયમ સિસ્ટમની સ્થાપના કરી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે ‘એસપી ગુપ્તા vs યુનિયન ઓફ ઈન્ડિયા’ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેણે ભારતીય ન્યાયતંત્રની સ્વતંત્રતાને નવી દિશા આપી હતી. એસપી ગુપ્તા વિ. યુનિયન ઓફ ઈન્ડિયા કેસને સેકન્ડ જજ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ, ન્યાયાધીશોની નિમણૂકમાં એક્ઝિક્યુટિવની મુખ્ય ભૂમિકા હતી. પ્રમુખ ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયાધીશની સલાહ લીધા બાદ કરવામાં આવતી હતી.
કલેક્ટિવ વિઝડમનો સિદ્ધાંત
સુપ્રીમ કોર્ટે તેના 1993ના ચુકાદામાં ‘કલેક્ટિવ વિઝડમ’ના સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો. આનો અર્થ એ થયો કે ન્યાયાધીશોની નિમણૂક અંગેનો માત્ર મુખ્ય ન્યાયાધીશ પર નિર્ભર ન રહીને સર્વોચ્ચ અદાલતના અન્ય વરિષ્ઠ ન્યાયાધીશોની સામૂહિક સર્વસંમતિ પર આધારિત હોવો જોઈએ. આ નિર્ણય હેઠળ કોલેજિયમ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં મુખ્ય ન્યાયાધીશ અને સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. આ પાંચ ન્યાયાધીશો સામૂહિક રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને પ્રમોશનનો નિર્ણય કરે છે.
2013નો આરસી લાહોટી કેસ અને કોલેજિયમ સિસ્ટમ પર સવાલ
સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2013ના અન્ય એક મહત્વપૂર્ણ કેસમાં પૂર્વ ચીફ જસ્ટિસ આરસી લાહોટીના સમયમાં ન્યાયિક નિમણૂકોની પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે નિમણૂંકોમાં પારદર્શિતાનું ધ્યાન રાખવામાં આવતું ન હોવાનું કહેવાયું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમમાં પારદર્શિતાનો અભાવ છે જેના કારણે જજોની નિમણૂક પ્રક્રિયાની ટીકા થઈ રહી છે. સર્વોચ્ચ અદાલતે પછી સૂચન કર્યું હતું કે કોલેજિયમના નિર્ણયોને વધુ પારદર્શક બનાવવા જોઈએ અને નિમણૂકો માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા અને માપદંડો જાહેર કરવા જોઈએ જેથી જનતા અને ન્યાયતંત્રમાં વિશ્વાસ જળવાઈ રહે. આ નિર્ણય બાદ ન્યાયતંત્રમાં પારદર્શિતા વધારવા માટે કેટલાક પગલા લેવામાં આવ્યા હતા. કોલેજિયમના નિર્ણયોને સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર પ્રકાશિત કરવાની પ્રક્રિયા પણ ત્યારથી શરૂ થઈ ગઈ હતી. જોકે, પારદર્શિતાના અભાવની ટીકા હજુ પણ ચાલુ રહી છે.
કેન્દ્રમાં મોદી સરકાર અને NJACની રચના
વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને ભાજપે એકલા હાથે 282 બેઠકો જીતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. જોકે, સરકારમાં ઘણા સાથી પક્ષોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને મળીને એનડીએ કહેવામાં આવે છે. મોદી સરકારે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) એક્ટ 2014માં જ સંસદ દ્વારા પસાર કરાવ્યો હતો. પરંતુ સર્વોચ્ચ અદાલતે તેને ગેરબંધારણીય જાહેર કરી અને કોલેજિયમ સિસ્ટમ પુનઃસ્થાપિત કરી હતી.
NJAC એક બંધારણીય સંસ્થા હતી જેમાં ન્યાયતંત્ર અને કારોબારી બંનેનું પ્રતિનિધિત્વ હતું. તેનો ઉદ્દેશ ન્યાયાધીશોની નિમણૂક પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો હતો. તેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, બે વરિષ્ઠ ન્યાયાધીશો, કાયદા પ્રધાન અને સામાજિક જીવનની બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામેલ હોત. આનાથી એ સુનિશ્ચિત થઈ શક્યું હોત કે ન્યાયાધીશોની નિમણૂક માત્ર ન્યાયતંત્રના હાથમાં જ ન હોત અને તે કારોબારી અને સિવિલ સોસાયટીનું પણ પ્રતિનિધિત્વ થાય.
સુપ્રીમ કોર્ટે NJAC રદ્દ કરી
સુપ્રીમ કોર્ટે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા NJAC એક્ટને ગેરબંધારણીય ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે NJAC ન્યાયતંત્રની સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે અને આમ બંધારણના ‘મૂળભૂત માળખા’નું ઉલ્લંઘન કરે છે. આ નિર્ણય સાથે કોલેજિયમ સિસ્ટમ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ નિર્ણય ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવી રાખવાની તરફેણમાં હતો, પરંતુ તેણે ન્યાયિક સુધારાની જરૂરિયાત પર નવી ચર્ચાને જન્મ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે વધુ પારદર્શિતાની તરફેણમાં છે, પરંતુ એક્ઝિક્યુટિવ દ્વારા વધતા જતા દખલને સહન કરી શકતી નથી. તેથી તેમણે કોલેજિયમ સિસ્ટમને જાળવવા પર ભાર મૂક્યો અને કહ્યું કે સરકારે આ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાના માર્ગો શોધવા જોઈએ. જોકે, આ નિર્ણયથી ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચેનો સંઘર્ષ વધુ ઊંડો બન્યો હતો.
કોલેજિયમ સિસ્ટમમાં શું સમસ્યા છે?
કોલેજિયમ સિસ્ટમની સૌથી મોટી ટીકા તેની પારદર્શિતાનો અભાવ છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક અને પ્રમોશન અંગે નિર્ણય લેવાની પ્રક્રિયાઓ ગોપનીય છે અને નિર્ણય લેવાના માપદંડો સ્પષ્ટપણે જાહેર કરવામાં આવતા નથી. વિરોધીઓ આક્ષેપ કરે છે કે કોલેજિયમ સિસ્ટમ દ્વારા માત્ર કેટલાક જ પરિવારોને ઉચ્ચ ન્યાયતંત્રમાં સ્થાન મળે છે. તેમનો સ્પષ્ટ આરોપ છે કે કોલેજિયમ સિસ્ટમનો ઉપયોગ પક્ષપાત, ભત્રીજાવાદ અને નિહિત હિતોને બચાવવા માટે કરવામાં આવી રહ્યો છે. જવાબદારીના અભાવને કારણે, તેને ‘સ્વ-નિયુક્તિ’નો કેસ કહેવામાં આવે છે જેમાં ન્યાયતંત્રનું નિયંત્રણ ફક્ત ન્યાયતંત્ર પર જ રહે છે, જ્યારે લોકશાહી માળખામાં કોઈપણ શાખાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ નહીં.
કોલેજિયમ સિસ્ટમ હેઠળ સરકારની ભૂમિકા માત્ર કોલેજિયમની ભલામણોને મંજૂર કરવા સુધી મર્યાદિત છે, જે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ખેંચતાણ ઊભું કરે છે. આ કારણે ઘણા નિષ્ણાતો અને ન્યાયશાસ્ત્રીઓ કોલેજિયમ સિસ્ટમમાં સુધારાની માંગ કરે છે. તે ઇચ્છે છે કે ન્યાયાધીશોની નિમણૂક અને પ્રમોશનની સિસ્ટમમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને પ્રક્રિયાઓની બાહ્ય દેખરેખનો સમાવેશ થાય.
છેવટે શું થવું જોઈએ?
આ વિવાદનો મૂળ પ્રશ્ન એ છે કે શું ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવા માટે કોલેજિયમ સિસ્ટમ જ જરૂરી છે કે લોકતાંત્રિક માળખામાં તેને અમુક નિયંત્રણ હેઠળ રાખવી જોઈએ. આ પ્રશ્નની આસપાસ સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે, જે ન્યાયતંત્રને કેટલી સ્વાયત્તતા હોવી જોઈએ તેના પર કેન્દ્રિત છે.
શું NJAC નવા સ્વરૂપમાં આવશે?જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પરથી ન્યાયિક સુધારાની વાત કરી રહ્યા હતા ત્યારે તેમનો ઈશારો જજોની નિમણૂકને વધુ પારદર્શક બનાવવા તરફ હતો. શક્ય છે કે આગામી દિવસોમાં કોલેજિયમ સિસ્ટમની જગ્યાએ નવી સિસ્ટમ બનાવવા પર ભાર મૂકવામાં આવે. નવી સિસ્ટમમાં જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) જેવી સિસ્ટમ બનાવવામાં આવી શકે છે. શક્ય છે કે આ વખતે સુપ્રીમ કોર્ટની સંમતિ લીધા બાદ જ કોલેજિયમ સિસ્ટમને નાબૂદ કરવાનો અથવા તેમાં મોટા સુધારા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.