અયોધ્યા મંદિરે દાન-દક્ષિણામાં અનેક રેકોર્ડ તોડી નાખ્યા!!
આશરે 500 વર્ષનાં ઈન્તેજાર બાદ બનેલા અયોધ્યાનાં રામ મંદિરમાં રેકોર્ડબ્રેક દાન દક્ષિણાનો ચડાવો થઈ ગયો છે અને રામ મંદિરના ભૂમીપૂજન બાદ ચાર વર્ષમાં ભાવિકોએ મંદિરની દાનપેટી છલકાવી દીધી છે.અત્યાર સુધી રામ મંદિર માટે કુલ પંચાવન અબજ રૂપિયાનું દાન મળ્યું છે.
રામ મંદિર ટ્રસ્ટે રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન બાદ 2021 માં નિધિ સમર્પણ અભિયાન હાથ ધર્યુ હતું.એમાં મંદિરને 3500 કરોડ રૂપિયાનું દાન મળ્યુ હતું.
એમાં વિદેશથી પણ રામભકતોએ દાન મોકલ્યુ હતું અને સૌથી વધારે વિદેશી દાન અમેરિકા અને નેપાલથી આવ્યુ હતું.
3500 કરોડ રૂપિયાના દાન બાદ છેલ્લા 3 વર્ષમાં મંદિરને વધુ 2000 કરોડ રૂપિયાનું દાન મળ્યુ હતું અને આમ કુલ 5500 કરોડ એટલે કે પંચાવન અબજ રૂપિયાનું દાન મળી ગયુ છે.
એમાં કેટલાંક દાન આપનારા એવા છે કે જેમણે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે અને એમાં કેટલાંક કિલો સોના-ચાંદીનો સમાવેશ છે.
રોજ 1 કરોડનો ચડાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષની શરૂઆતમાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રોજ દેશ-વિદેશથી ભાવિકો મોટી સંખ્યામાં આવે છે અને દરરોજ આશરે એક કરોડ રૂપિયાનો ચડાવો મંદિરમાં આવે છે.