બાંગ્લાદેશમાં અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ફાટી નીકળેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. જેમાં હવે વિરોધીઓ હિન્દુઓ અને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે.
લઘુમતીઓના ઘરો અને મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ બાબતની નોંધ લઇ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારને હિન્દુઓને સુરક્ષા પૂરી પાડવા અપીલ કરી હતી.
હવે તેમની અપીલની અસર દેખાઇ રહી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંદિરો અને હિન્દુઓ પર હુમલા કરનારા તોફાનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના કડક આદેશ આપ્યા છે.
હિન્દુઓને ન્યાય અપાવવા કમિટિ રચાશે
મીડિયા સાથે વાતચીત કરતા ધાર્મિક સલાહકારે જણાવ્યું કે, સરકાર અગાઉ પણ હિન્દુઓ સહિત લઘુમતીઓની રક્ષા માટે કટિબદ્ધ રહી છે. દરેક પળે તેમની સાથે ઉભી રહી છે. આગળ પણ અમે આવું જ કરીશું.
સરકાર આવા મંદિરોની યાદી બનાવી રહી છે, જેમને તોડવામાં આવ્યા છે અથવા લૂંટફાટ કરવામાં આવી છે. આવા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે અમે એક ફાસ્ટ ટ્રેક કમિટી બનાવી રહ્યા છીએ. ગૃહ મંત્રાલય પણ એક બે દિવસમાં આ બાબતે પગલાં લેશે.
હિન્દુઓએ પોતાની સુરક્ષાની માંગ કરી
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશ સરકારને હચમચાવી દીધી હતી. આના પર શેખ હસીનાએ ઉતાવળે પીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને પછી તેઓ ઢાકાથી ભારત આવ્યા.
સત્તા પરથી તેમની હકાલપટ્ટી પછી પણ અરાજકતાનો માહોલ યથાવત છે. વિરોધીઓ હિન્દુ સમુદાયના લોકો પર હુમલો કરી રહ્યા છે અને મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે. તેના વિરોધમાં રવિવારે (11 ઓગસ્ટ) હિન્દુ સમાજના લોકો ચટગાંવ શહેરમાં મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોતાના જીવન, સંપત્તિ અને પૂજા સ્થળોની સુરક્ષાની માગ કરી હતી.
ગૃહ મંત્રાલયના સલાહકારે હિન્દુ સમુદાયની માફી માંગી
બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર સખાવત હુસૈને લઘુમતીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેવા બદલ હિન્દુઓની માફી માંગતા કહ્યું કે, ‘લઘુમતી ભાઈઓની સુરક્ષા કરવી સરકારની જવાબદારી અને અંતિમ ફરજ છે.’
હુસૈને વધુમાં કહ્યું કે, ‘લઘુમતીઓનું રક્ષણ કરવું એ આપણા ધર્મનો ભાગ છે. હું આપણા હિન્દુ ભાઈઓની માફી માંગું છું. અત્યારે દેશ અરાજકતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે.
પોલીસની હાલત સારી નથી, આથી હું સમાજના લોકોને અપીલ કરું છું કે લઘુમતીમાં આવતા લોકો આપણા ભાઈઓ છે અને તમામ લોકો સાથે મળીને મોટા થયા છીએ. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા કરવાની જવાબદારી આપણી છે.’