લોકસભામાં ચોમાસું સત્ર બાદ કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવી છે. કાર્યવાહી સ્થગિત થયા બાદ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ સ્પીકર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
સત્રની કાર્યવાહી સ્થગિત થતાં પહેલા લોકસભા સ્પીકરે સંસદના કામકાજનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. સ્પીકરે કહ્યું કે આ સત્ર દરમિયાન પ્રોડક્ટિવીટી 136% રહી.
રાહુલ ગાંધી અને મોદીએ એકબીજાનું અભિવાદન કર્યું
જે બાદ દિગ્ગજ નેતાઓ લોકસભા સ્પીકરને મળવા માટે પહોંચ્યા જ્યાં અનૌપચારિક બેઠક પણ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ એકબીજાનું અભિવાદન કર્યું. બેઠકમાં રાહુલ ગાંધીએ રાજનાથ સિંહને યુક્રેનની પરિસ્થિતિ અંગે પૂછ્યું, જેના પર રક્ષા મંત્રીએ જણાવ્યું કે ભારતની ચાંપતી નજર છે.
આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, કિરેન રિજિજૂ, પિયુષ ગોયલ, ચિરાગ પાસવાન પણ સામેલ થયા હતા.
અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર સણસણતો આરોપ
નોંધનીય છે કે આજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.
તેમણે કહ્યું હતું, કે ‘જ્યારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે કાર્યભાર સંભાળ્યો ત્યારે પીએમ મોદીએ શુભકામના પાઠવી પણ સાથે સાથે તેમણે હિન્દુઓ તથા લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ ટકોર કરી.
પણ દુર્ભાગ્યની વાત છે કે વિપક્ષ નેતાએ બાંગ્લાદેશની સરકારને શુભકામના પાઠવી પણ હિન્દુઓની સુરક્ષાનો કોઈ ઉલ્લેખ ન કર્યો. તમે ગાઝા વિશે તો વાત કરો છો પણ બાંગ્લાદેશના હિન્દુઓ વિશે નહીં.’