Sunday, September 15, 2024
HomeFeatureકંડલામાં નવુ વિશાળ એરપોર્ટ નિર્માણ પામશે

કંડલામાં નવુ વિશાળ એરપોર્ટ નિર્માણ પામશે

કંડલા પોર્ટ ઓથોરિટીએ 600 થી 1000 એકર જમીન આપવા તૈયારી બતાવી: લાંબા વખતથી વિચારણામાં રહેલો પ્રોજેકટ આગળ વધશે

2001ના ભયાનક ભૂકંપ બાદ ઔદ્યોગીક પાવર હાઉસ બની ચૂકેલા કચ્છને વધુ એક મહત્વનો પ્રોજેકટ આપવાની દિશામાં ચક્રો ગતિમાન થયા છે. કચ્છના કંડલામાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવે તેવા નિર્દેશ સાંપડયા છે.

ભારતનું સૌથી વ્યસ્ત બંદર ધરાવતા કંડલામાં 600 થી 1000 એકરની જગ્યામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવા સૈદ્ધાંતિક સહમતી આપી દેવામાં આવી છે. 2019 થી કંડલામાં એરપોર્ટ સ્થાપવા માટે દરખાસ્ત હતી પરંતુ એરપોર્ટ માટે જમીન ઉપલબ્ધ થાય તો જ એરપોર્ટનું નિર્માણ કરવા એરપોર્ટ ઓથોરીટી દ્વારા કહેવામાં આવ્યું હતું.

કંડલા પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંઘે જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટીને વિમાન મથક સ્થાપવા માટે જમીન આપવાની તૈયારી છે. બે થી ત્રણ સ્થળોએ જમીન ઓળખવામાં આવી છે અને એરપોર્ટ ઓથોરિટીને યોગ્ય લાગે તે જમીનની પસંદગી કરી શકશે. તેઓએ ઉમેર્યું કે એરપોર્ટ ઓથોરિટીને જમીનના માલીકી હકક આપી ન શકાય પરંતુ 60 વર્ષની લીઝથી જમીન આપવામાં આવશે.

જમીન નકકી થયા બાદ ઉડ્ડયન મંત્રાલયને વાકેફ કરવામાં આવશે. હાલના એરપોર્ટ પરથી 78 પ્રવાસીઓની ક્ષમતા સાથેના માત્ર બે વિમાન ઉડાન ભરે છે. ટર્મીનલની ક્ષમતા પણ અઢીસો થી ત્રણસો મુસાફરોની છે.

ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા લાંબા વખતથી નવા એરપોર્ટ માટે એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ઓથોરિટીના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે કચ્છના ઔદ્યોગીક વિકાસ અને પ્રવાસનને ધ્યાનમાં રાખીને રાજય સરકાર સાથે વિસ્તૃત માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

કચ્છમાં મોટા એરપોર્ટની વિશાળ તક છે. કોવિડકાળ પુર્વે વર્તમાન એરપોર્ટ લંબાવવા રાજય સરકાર પાસે 300 એકર જમીન માંગવામાં આવી હતી પરંતુ તે શકય બન્યુ ન હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!