જો તમે ડિઝની+ હોટસ્ટારનો યૂઝ કરો છો, તો તમારા માટે એક મોટું અપડેટ આવ્યું છે. આજકાલ મોટાભાગના લોકો OTT પર સીરીઝ અને ફિલ્મો જોવાનું પસંદ કરે છે ત્યારે ડિઝની+ હોટસ્ટારના યૂઝર્સ માટે મોટા સમાચાર છે. Disney+ Hotstar ટૂંક સમયમાં પાસવર્ડ શેરિંગને નિયંત્રિત કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે, તમે તમારા ઘરની બહાર કોઈની સાથે પાસવર્ડ શેર કરી શકશો નહીં.
પહેલા Netflixએ મિત્રો સાથે પાસવર્ડ શેરિંગ બંધ કરી નાખ્યું, હવે Disney+ Hotstar પણ એ જ રસ્તા પર ચાલી રહ્યું છે. એક અહેવાલ મુજબ, બુધવારે ડિઝનીના સીઈઓ બોબ ઈગરે જાહેરાત કરી હતી કે, કંપની આ સપ્ટેમ્બરથી તમારા ઘરની બહારના લોકો સાથે પાસવર્ડ શેર કરવા સામે નવા નિયમો લાગુ કરી શકે છે.
પાસવર્ડ શેરિંગને રોકવા માટે આ પગલું શા માટે લેવામાં આવ્યું છે તે હજુ સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ડિઝનીએ પેઇડ શેરિંગ શરૂ કરવાની પોતાની યોજના પણ જાહેર કરી હતી. આ પછી જૂન મહિનામાં કેટલાક દેશોમાં પેઇડ શેરિંગ પણ લાગુ કરવામાં આવ્યું હતું. ડિઝની સપ્ટેમ્બર સુધીમાં વધુ ગ્રાહકોને પેઇડ શેરિંગ ખરીદવા માટે કહી શકે છે. જો કે આ માટે કંપની યૂઝર પાસેથી કેટલી વધારાની કિંમત વસૂલશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
નેટફ્લિક્સે પણ ગયા વર્ષે આ સેવા શરૂ કરી હતી
નેટફ્લિક્સની સ્ટ્રેટેજીને જોતાં ડિઝની પણ આ અભિગમ અપનાવી રહી છે. Netflix તમારા એકાઉન્ટમાં અન્ય વ્યક્તિને ઉમેરવા માટે દર મહિને વધારાના $7.99 ચાર્જ કરે છે.
પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ સિવાય ઓક્ટોબર મહિનાથી ડિઝની પ્લસ, હુલુ અને ESPN પ્લસના સબસ્ક્રિપ્શન પ્લાન મોંઘા થઈ જશે. જોકે, કંપનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, કિંમતોમાં વધારો થવાથી ગ્રાહકોની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો થશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડિઝની આ ફેરફારોને લાગુ કરશે, ગ્રાહકોએ પ્લાનના દરમાં વધારા માટે તૈયાર રહેવું પડશે.