ઝુલતા પુલ પીડિતોને ન્યાય માટે લોકોને જોડાવા આહવાન: જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો બજારોમાં ફર્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડનગર ધારાસભ્યના આગેવાની હેઠળ ગુજરાતમાં ન્યાય યાત્રા યોજવાની છે અને તેનો પ્રારંભ મોરબીની થવાનો છે ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા મોરબીમાં દુકાને દુકાને અને શેરીએ શેરીએ જઈને લોકોને ગુજરાત ન્યાય યાત્રામાં જોડાવા માટે અને ભોગ બનેલા પરિવારોને ન્યાય અપાવો માટે મદદ કરવા અપીલ કરી હતી.
મોરબીમાં તા 30-10-2022 ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો અને તે દુર્ઘટનામાં 135 લોકોના મોત નીપજ્યા હતા.
આ ઘટનાને પોણા બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને આવી જ રીતે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર બનેલી ગોજારી ઘટનાઓમાં સીટની રચના કરવામાં આવી હતી તેમ છતાં પણ આજની તારીખે હજુ સુધી ભોગ બનેલા પરિવારોને ન્યાય મળ્યો નથી અને દોષિતોને સજા કરવામાં આવી નથી.
ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તેમજ દોઢથી બે કરોડ જેટલું વળતર મળે અને દોષિતોને સજા થાય તે માટે તા. 9 ઓગસ્ટ થી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડનગરના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, કિસાન કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ થવાની છે.
આ ન્યાય યાત્રામાં મોરબીના લોકો વધુમાં વધુ જોડાય તે માટે થઈને ગઇકાલે મોરબીના દરબાર ગઢ ચોકથી લઈને જુના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં દુકાને દુકાને અને ઘરે ઘરે જઈને લોકોને આ ન્યાય યાત્રામાં જોડાવા માટે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડનગરના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, મનોજભાઇ પનારા, રાજેશભાઈ ચૌહાણ સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.
ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તેમજ આરોપીઓને સજા થાય તે માટે સહયોગ આપવા માટે મોરબી શહેર અને જિલ્લાના લોકોને સહકાર આપવા માટે આહવાન કર્યું હતું.