ભારતની રેસલર વિનેશ ફોગાટે 50 kg ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં સેમિ ફાઇનલમાં 5-0થી શાનદાર વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વિનેશે અગાઉ પ્રિ ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની વર્લ્ડ નંબર વન અને ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા રેસલર યુઈ સુસાકીને પછાડી હતી. હવે સેમિ ફાઇનલમાં પણ ક્યુબાની પ્રતિસ્પર્ધીને હરાવીને તેણે ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં ભારત માટે સિલ્વર મેડલ પાક્કો કરી દીધો છે અને હવે તેની નજર ગોલ્ડ જીતવા પર છે.
સરળતાથી મેળવી જીત
સેમિ ફાઇનલ મેચ દરમિયાન પ્રથમ રાઉન્ડમાં વિનેશની પ્રતિસ્પર્ધી વારંવાર તેના પર હુમલો કરી રહી હતી. જો કે, વિનેશે પોતાને ડિફેન્ડ કરતાં 1-0ની લીડ બનાવી હતી. ત્યારબાદ બીજા રાઉન્ડમાં વિનેશે આક્રમક વલણ અપનાવી રેસલર યુસ્નેલિસ ગુઝમાનને 5-0થી સરળતાથી હરાવી ભારત માટે મેડલ પાક્કું કર્યો છે.
આ સાથે વિનેશ હવે ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ ઇવેન્ટમાં વિનેશને ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ભારતને આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા છે.
ટોચની કુસ્તીબાજોમાં વિનેશની ગણતરી
વિનેશ ફોગાટનું નામ ટોચની અને પ્રખ્યાત મહિલા કુસ્તીબાજોમાં ગણવામાં આવે છે. વિનેશ ઈતિહાસના સૌથી સફળ ભારતીય કુસ્તીબાજોમાંથી એક છે. તેનો જન્મ 25 ઓગસ્ટ, 1994ના રોજ હરિયાણાના ભિવાની જિલ્લાના બલાલી ગામમાં કુસ્તીબાજોના પરિવારમાં થયો હતો.
આવી સ્થિતિમાં વિનેશે પણ પોતાની કારકિર્દી કુસ્તીમાં બનાવવાનું નક્કી કર્યું. તેણે તેના કાકા મહાવીર સિંહ ફોગાટ (મહિલા કુસ્તીબાજો ગીતા અને બબીતા ફોગટના પિતા) પાસેથી કુસ્તીની તાલીમ લીધી હતી.
વિનેશ ફોગાટની ઓલિમ્પિક કારકિર્દી
વિનેશે રિયો ઓલિમ્પિક 2016માં મહિલાઓની 48 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ઘૂંટણની ગંભીર ઇજાને કારણે તેને ક્વાર્ટર ફાઇનલ મેચમાંથી બહાર થવાની ફરજ પડી હતી. આ પછી વિનેશ ફોગાટે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 2020 માટે પણ ક્વોલિફાય કર્યું હતું, પરંતુ આ વખતે તેને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
વિનેશ ફોગાટના નામે ઘણાં મેડલ અને રેકોર્ડ્સ
નોંધનીય છે કે, વિનેશ ફોગાટે વર્લ્ડ લેવલ પર રેસલિંગમાં ઘણાં મેડલ અને રેકોર્ડ પોતાના નામે કર્યા છે. કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હતી. ચાલો તેના મેડલ પર એક નજર કરીએ.
1- 2018 એશિયન ગેમ્સ, જકાર્તા – ગોલ્ડ મેડલ
2- 2018 કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ – ગોલ્ડ મેડલ
3- 2014 કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો – ગોલ્ડ મેડલ
4- 2018 એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક – સિલ્વર મેડલ
5- 2013 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહાનિસબર્ગ – સિલ્વર મેડલ
6- 2020 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ
7- 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન – બ્રોન્ઝ મેડલ
8- 2019 એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન – બ્રોન્ઝ મેડલ
9- 2016 એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક – બ્રોન્ઝ મેડલ
10- 2014 એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ
11- 2013 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ
વિવિધ એવોર્ડ્સથી સન્માનિત
તેને કુસ્તીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારત સરકાર દ્વારા 2016 માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. જે બાદ 2020માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો. તે 2019માં લૌરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નામાંકિત થનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની હતી.