વરસાદથી દીવાલ ધરાશાયી થતા 3 શ્રમિકોના દટાઈ જવાથી અને ડુબી જવાથી એક યુવકનું મોત: વાહનો રમકડાંની જેમ તણાયા : તળાવો ઓવરફલો
રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અજમેર, જેસલમેર, ટોંક, બાડમેર, પાલી, બાલોતરા અને બુંદીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે જોધપુરના બોરાનાડા વિસ્તારમાં ફેક્ટરીની દિવાલ ધરાશાયી થઈ હતી. તેમાં 13 શ્રમિકો દટાયા હતા, જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એકની હાલત ગંભીર છે.
બીજી તરફ બાલેસરના ગોટાવર ડેમમાં રવિવારે (ચોથી ઓગસ્ટ) રાત્રે ડૂબી જવાથી યુવકે જીવ ગુમાવ્યો હતો. રાજસ્થાનના બુંદી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અધધધ 32 ઈંચ વરસાદ નોંધાતા રેલમછેલ થઈ ગયું હતું.
સતત વરસાદને પગલે જેતસાગર તળાવ અને નવલ સાગર તળાવ ઓવર ફ્લો થયા છે. જેના કારણે ચારભુજા મંદિરથી સદર બજાર, ચૌમુખા બજાર, નાગડી બજારથી મીરા ગેટ સુધી પાણી તેજ ગતિએ વહી રહ્યું છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કાર રમકડાંની જેમ પાણીમાં તરતી દેખાઈ હતી જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બુંદીના કલેક્ટર અક્ષય ગોડારા અને બુંદીના એસડીએમ દીપક મિત્તલે પૂરની ભયાનક સ્થિતિને પગલે શહેરનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. પ્રાદેશિક હવામાન વિભાગના અહેવાલ મુજબ બુંદી જિલ્લાની વાત કરીએ તો અહીં છેલ્લાં 24 કલાકમાં 799 મિ.મી. (32 ઈંચ) વરસાદ ખાબકી જતાં પાણી જ પાણી થઈ ગયું હતું.
તેમાં હિંડોલીમાં થયેલા 217 મિ.મી.ના આંકડા સામેલ છે. જ્યારે બુંદીમાં 199, તલારામાં 105, કેસોરાઈપાટણમાં 107 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ઈન્દ્રગઢમાં 88 મિ.મી. વરસાદ થતાં રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર પશ્ચિમ રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ સોજત અને પાલીમાં 261 મિ.મી. સુધી નોંધાયો હતો. જેના પગલે નવલ સાગર તળાવના તમામ ગેટ ખોલી દેવાયા હતા અને શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઇ હતી.
ભારે વરસાદને પગલે સ્કૂલ-કોલેજોમાં રજાઓ જાહેર કરવાની ફરજ પડી હતી. અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા અને રસ્તા દરિયામાં ફેરવાઈ ગયા હતા. હવામાન વિભાગે આ સાથે અનેક વિસ્તારો માટે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.