પેરિસ ઓલિમ્પિકસમાં ભારતને વધુ એક નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. બેડમિંટનમાં બ્રાન્ડ મેડલ જીતવાના મુકાબલામાં લક્ષ્ય સેન મલેશિયાના લી ઝી જિયા સામે 21-13, 16-21, 11-21થી હારી ગયો હતો. લક્ષ્યએ પહેલી ગેમ 21-13થી જીતી લીધી હતી.
ત્યારબાદ બીજી ગેમમાં લક્ષ્ય સેન અને લી ઝી જિયા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જેમાં ઈન્ટરવલ સુધીમાં લી ઝી જિયા 11-8થી આગળ હતો. ત્યારબાદ લક્ષ્યએ ગેમમાં પુનરાગમન કરવાની કોશિશ કરી હતી પરંતુ તે બીજી ગેમ 21-16 થી હારી ગયો હતો. બ્રાન્ડ મેડલિસ્ટ મેળવવા માટેની ત્રીજી અને નિર્ણાયક ગેમમાં સંઘર્ષભર્યા મુકાબલામાં લક્ષ્ય 11-21થી હાર્યો હતો.
આ મેચ પહેલા લક્ષ્ય સેનને કોણીમાં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તેને તબીબી સારવાર લેવી પડી હતી. તેની કોણીમાંથી સતત લોહી નીકળવા છતાં લક્ષ્યએ મેચ રમવાનું ચાલુ રાખ્યું હતું.
લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ સિંગલ્સ બેડમિંટનના સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે તે ઓલિમ્પિકસના ઇતિહાસમાં સેમિ ફાઇનલમાં પહોંચનારો પહેલો ભારતીય પુરૂષ ખેલાડી બની ગયો હતો.
લક્ષ્યએ તેના ક્વાર્ટર ફાઇનલ મેચમાં જબરદસ્ત વાપસી કરતા તાઇવાનના પ્લેયરને 19-21, 21-15 અને 21-12થી હરાવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
રાઉન્ડ ઑફ 32 મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવ્યો
અગાઉ લક્ષ્ય સેન પોતાની રાઉન્ડ ઑફ 32 મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. સેને 21-18, 21-12થી સીધા સેટમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. શરુઆતમાં લક્ષ્ય 8-2થી પાછળ હતો પરંતુ ત્યાર બાદ તેણે વાપસી કરતાં પ્રથમ સેટ જીતી લીધો હતો અને ત્યાર બાદ બીજો સેટ પણ જીતીને તિરંગો લહેરાવ્યો હતો.
લક્ષ્યએ ગ્રૂપ Lમાં ટોપ કર્યું હતું અને નોકઆઉટ એટલે કે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
કોણ છે લક્ષ્ય સેન?
ભારતીય બેડમિંટનના ઉભરતા સ્ટાર લક્ષ્ય સેન, અલ્મોડા, ઉત્તરાખંડનો છે. તેનો જન્મ 16 ઓગસ્ટ 2001ના રોજ થયો હતો. સેનની સિદ્ધિઓમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને 2022 એશિયન ગેમ્સમાં સિલ્વરનો સમાવેશ થાય છે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર તેની કુશળતા દર્શાવે છે.
તેની પ્રતિભા ત્યારે વધુ પ્રકાશિત થઈ જ્યારે તેણે 2021 વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓમાંના એક તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી.