બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા પાછળ શું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો હાથ છે? માહિતી પ્રમાણે એવું જાણવા મળી રહ્યું છે કે, બાંગ્લાદેશમાં ‘છાત્ર શિબિર’ નામના વિદ્યાર્થી સંગઠને આ હિંસા ભડકાવી હોવાના અહેવાલ છે.
આ વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશમાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામીની શાખા છે. અને જમાત-એ-ઇસ્લામીને પાકિસ્તાનની ISIનું સમર્થન છે.
આખરે બાંગ્લાદેશમાં એવું શું થયું કે, શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના પ્રદર્શને આટલું ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધું. આ આંદોલન વડાપ્રધાન શેખ હસીનાની સત્તારૂઢ અવામી લીગ માટે સૌથી મોટો પડકાર બની ગયો હતો.
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે વડાપ્રધાન શેખ હસીનાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને સેનાના હેલિકૉપ્ટરમાં દેશ છોડવો પડ્યો. બીજી બાજુ વિરોધીઓએ સોમવારે રાજધાની ઢાકામાં રેલી કાઢવાની યોજના તૈયાર કરી છે. આ પહેલાં દેશમાં ફાટી નીકળેલી હિંસાને કારણે ઘણા લોકોના મોત થઈ ચૂક્યા હતા.
આ દરમિયાન સેનાએ બાંગ્લાદેશમાં કર્ફ્યુ લાદી દીધો છે અને અશાંતિને નિયંત્રિત કરવા માટે સત્તાવાળાઓએ ઇન્ટરનેટ સેવાઓ હાલ પૂરતી બંધ કરી દીધી છે.
પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં 300ના મોત
આ પહેલાં રવિવારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં લગભગ 300 લોકો માર્યા ગયા હતા. તાજેતરમાં બાંગ્લાદેશમાં પોલીસ અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. હકીકતમાં વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ વિવાદાસ્પદ અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે.
આ અંતર્ગત વર્ષ 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે 30 ટકા સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવી છે.
કેવી રીતે ફાટી નીકળી તોફાનોની આગ
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની દલીલ છે કે, શેખ હસીનાની પાર્ટી અવામી લીગ સાથે જોડાયેલા લોકોને વર્તમાન અનામત નિયમોનો લાભ મળી રહ્યો છે. આ અંગે પ્રદર્શનકારીઓએ શેખ હસીના સરકાર પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે.
સરકારે બાંગ્લાદેશમાં શાળા-કૉલેજો બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ દેશમાં ફેલાયેલી અશાંતિને કાબૂમાં લેવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ. બીજી તરફ અનામતને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આંદોલનકારીઓ નારાજ દેખાઈ રહ્યા છે.
શું હિંસા ફાટી નીકળવા પાછળ પાકિસ્તાનની ISIનો હાથ? આ વચ્ચે હવે સવાલ એ થાય છે કે, શું બાંગ્લાદેશમાં થયેલી હિંસા પાછળ પાકિસ્તાની સેના અને ગુપ્તચર સંસ્થા ઈન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ(ISI)નો હાથ છે?
બાંગ્લાદેશમાં ‘છાત્ર શિબિર’ નામના વિદ્યાર્થી સંગઠને હિંસા ભડકાવી હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશમાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામીની શાખા છે. એવી પણ માહિતી છે કે, જમાત-એ-ઇસ્લામીને પાકિસ્તાનની ISIનું સમર્થન છે.
બીજી બાજુ બાંગ્લાદેશ સરકાર તપાસ કરી રહી છે કે, શું ISIએ પણ વર્તમાન પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કર્યો છે કે કેમ…