શાળાઓમાં રંગોળી, ચિત્ર, નિબંધ વગેરે સ્પર્ધાઓ યોજાશે; જિલ્લા કક્ષાએ યોજાશે ત્રિરંગા રેલી
કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર એ મોરબીના નાગરિકોમાં દેશદાઝની ભાવના ઉજાગર થાય તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો.
તિરંગા યાત્રામાં શાળાના બાળકો દેશભક્તિ પ્રદર્શિત કરતી વેશભૂષા ધારણ કરે, માનવ સાંકળની રચના, ચિત્ર-નિબંધ-રંગોળી સ્પર્ધા, ઢોલ અને છત્રી સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થાય, તે સુનિશ્ચિત કરવા કલેક્ટર એ જણાવ્યું હતું.
ફ્લેગ કોડની જોગવાઇનું ચુસ્તપણે પાલન થાય, નાગરિકો ભાતીગળ પહેરવેશમાં ઉપસ્થિત રહે, તથા મોરબી જિલ્લાના અને શહેરના વધુમા વધુ નાગરિકો આ યાત્રામાં સામેલ થાય, તેવું આયોજન કરવા કલેક્ટર એ સૂચના આપી હતી.
બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર એ ઉપસ્થિતોને આવકાર્યા હતા. અને ૧૦ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન યોજાનારી ’હર ઘર તિરંગા યાત્રા’ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી.
ગ્રામ્ય વિસ્તારો, સરકારી કચેરીઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા, સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ, ઔદ્યોગિક એકમો, એ.પી.એમ.સી., ઘર, દુકાન તથા અન્ય વિસ્તારોમાં વધુમાં વધુ સ્થળોએ ત્રિરંગો લહેરાવી શકાય, તે અંગેની વ્યવસ્થા ગોઠવવા નિવાસી અધિક કલેકટર એ ઉપસ્થિતોને જણાવ્યું હતું.
રાષ્ટ્રધ્વજની આમન્યા જળવાય તથા પુરા સન્માન સાથે ત્રિરંગો મહત્તમ જગ્યાઓએ લહેરાય, તેવું આયોજન કરવા પણ તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારીસર્વ ધાર્મિક ડોબરીયા, સિદ્ધાર્થ ગઢવી, સુશીલ પરમાર, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, સર્વે મામલતદાર ઓ, તાલુકા વિકાસ અધિકારી ઓ અને ચીફ ઓફિસર ઓ તેમજ સંબંધિત સરકારી વિભાગોના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.