Monday, April 21, 2025
HomeFeatureગુજરાતમાં તા. 2 થી 5 ઓગષ્ટ સુધી વરસાદનો નવો રાઉન્ડ

ગુજરાતમાં તા. 2 થી 5 ઓગષ્ટ સુધી વરસાદનો નવો રાઉન્ડ

પશ્ચિમ બંગાળની સિસ્ટમ ગુજરાત સુધી લંબાશે, બહોળુ સરકયુલેશન સર્જાશે

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: સીસ્ટમની માર્ગ હેઠળના ભાગોમાં છ ઈંચ કે તેથી વધુ વરસાદની પણ શકયતા: કાલથી ગુજરાતમાં અને પછી સૌરાષ્ટ્રમાં એન્ટ્રી થશે

રાજયમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર પ્રમાણમાં હળવુ થયા બાદ આવતીકાલથી નવો રાઉન્ડ શરૂ થવાની શકયતા છે અને 5 ઓગષ્ટ સુધી છુટાછવાયાથી માંડીને અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે તેમ હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ અને તેને લાગુ ક્ષેત્રમાં 5.8 કી.મી.ની ઉંચાઈએ અપરએર સાયકલોનીક સરકયુલેશન કેન્દ્રીત છે અને તે વધતી ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે.

આ સિસ્ટમ પશ્ચિમ, ઉતર-પશ્ચિમ તરફ મધ્યપ્રદેશ બાજુ ગતિ કરશે. ચોમાસુ ધરી દરિયાઈ લેવલે ફિરોઝપુર, ચંદીગઢ, દહેરાદૂન, બરેલી, ગોરખપુર, ભાગલપુર, બાપુરા થઈને ઉતરપુર્વીય બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે.

આ સિવાય 5.8 અને 4.5 કી.મી.ના લેવલમાં એક સીયરઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયાકિનારા સુધી સક્રીય છે. ચોમાસુ ધરી એક-બે દિવસમાં નોર્મલ નજીક આવી જવાની શકયતા છે.

તેઓએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ અને આસપાસની સિસ્ટમ-અપરએર સાયકલોનીક સરકયુલેશન 3.1 કી.મી.ની ઉંચાઈએ મધ્યપ્રદેશ તરફ ગતિ કરશે અને તેના પ્રભાવ હેઠળ મધ્યપ્રદેશને લાગુ રાજસ્થાન તથા ગુજરાત પર પણ મોટુ બહોળુ સરકયુલેશન બનવાની શકયતા છે.

તા.1થી6 ઓગષ્ટ સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે, નવી સીસ્ટમના પ્રભાવ હેઠળ રાજયમાં છુટાછવાયા તથા કયારેક થોડા વધુ વિસ્તારોમાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ થઈ શકે છે.

આ દરમિયાન અમુક ભાગોમાં 6 ઈંચ કરતા પણ વધુ વરસાદની શકયતા છે. તા.2 ઓગષ્ટ- આવતીકાલથી ગુજરાત રીજયનમાં મેઘસવારીની શરૂઆત થશે અને 3-4 ઓગષ્ટમાં મુખ્ય રાઉન્ડ વરસશે.

જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીને 5 ઓગષ્ટ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન બાજુ આ રાઉન્ડ પુરો થશે. સીસ્ટમ અને બહોળા સરકયુલેશનના લોકેશન આધારિત ભાગોમાં છ ઈંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે છે.

જુદા જુદા ભાગોમાં 1 ઈંચથી 3 ઈંચ સુધી વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કરતા ગુજરાત રીજયનમાં વરસાદની માત્રા વધુ રહેવાની સંભાવના છે. આગાહી દરમ્યાન પવનની ગતિ મધ્યમ રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!