મુખ્ય માર્ગો પરથી ત્રાસ દૂર કરવાની જરૂર: વાહન ચાલકો પર અકસ્માતનો ભય
મોરબીના શહેરી વિસ્તારો બાદ હવે હાઇવે ઉપર પણ વાહનોને અડચણ બને તે રીતે ઢોરનો અતિશય ત્રાસ જોવા મળે છે અને હાઇવે ઉપર પણ રોડ વચ્ચે ઢોર બેઠેલા હોય તેવા ફોટા અવારનવાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે.
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર અડીંગો જમાવીને ઢોર બેસતા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.જે અંગેના સમાચાર આવતા ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે ઢોર હટાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
મોરબીમાં રખડતા ઢોરની સમસ્યા લગભગ દરેક વિસ્તારમાં જોવા મળે છે.શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરના મુખ્ય હાર્દ સમાન સનાળા રોડ અને રવાપર રોડ ઉપર અને ગેસ્ટ હાઉસ રોડ ઉપર તેમજ જજ બંગલો નજીક સતત રોડ ઉપર ઢોર જોવા મળે છે. જેના લીધે વાહનચાલકો ઉપર સતત અકસ્માતનો ભય રહે છે. માટે શહેરના મુખ્ય વિસ્તારો ઉપરથી રજડતા ઢોરને દૂર કરવામાં આવે તેવી લોકોમાં પણ માંગ ઉઠી રહી છે.
નોંધનીય છે કે અગાઉ લાખો રૂપિયા ઢોર પકડવાના નામે પાલિકામાંથી ખર્ચવામાં આવતા હતા છતાં પણ સમસ્યાઓ યથાવત રહેતી હતી.તાજેતરમાં જ મોરબીમાં નવલખી હાઇવે ઉપર આવેલ પીપળીયા ચોકડી પાસે મોડી રાત્રિના ઢોર સાથે બાઈક અથડાવાના લીધે એક યુવાનનું તેમજ હળવદના ચરાડવા-સમલી વચ્ચેના રસ્તે પણ ઢોર સાથે બાઈક અથડાવા લીધે એક યુવાનનું મોત થયેલ છે.