મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ કોરિયાને માત આપીને 10 મીટર નિશાનબાજીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ઓલિમ્પિક 2024માં ભારતની ઝોલીમાં વધુ એક ચંદ્રક આવ્યો છે. મનુ ભાકર અને સરબજોતસિંહે 10 મીટર એર પિસ્ટલ મિકસ્ડ ટીમ ઈવેન્ટ બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને માત આપીને આ ચંદ્રક જીત્યો છે. આ પહેલા મનુએ રવિવારે આ ઈવેન્ટના સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે કોરિયાને 16-10થી માત આપીને આ મેડલ પોતાના નામે કર્યો હતો.
ભારતે લંડન ઓલિમ્પિક 2012 બાદ પહેલીવાર નિશાનબાજીમાં બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. આ સાથે મનુ ભાકર ભારતની પ્રથમ મહિલા નિશાનબાજ બની છે. જેણે બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. આ ઉપરાંત મનુ ભારત માટે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ખેલાડી પણ છે.
મનુ અને સરબજીતે કવાલિફિકેશન રાઉન્ડમાં 580 સ્કોર કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતને આ મેચમાં જોકે સારી શરૂઆત નહોતી મળી. પહેલા રાઉન્ડમાં કોરિયાઈ ટીમે 20,5નો સ્કોર બનાવ્યો હતો અને ભારતે 18.8નો. પણ ત્યાર બાદ મનુ અને સરબજોતે દમદાર નિશાન લગાવ્યા હતા.
આગામી રાઉન્ડમાં ભારતે 21.2 અને કોરિયાએ 19.9નો સ્કોર કર્યો હતો. ત્રીજા રાઉન્ડમાં ભારતે ફરી બાજી મારી હતી અને 20.8નો સ્કોર કર્યો હતો. જયારે કોરિયા 19.8નો સ્કોર જ કરી શકયું હતું.
કોરિયાઈ ટીમે છઠ્ઠી સીરીઝથી પહેલા ટાઉમ આઉટ માગ્યો પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો અને સરબજોતે ફરી કોરિયાઈ ટીમને કોઈ મોકો જ ન આપ્યો અને બ્રોન્ઝ મેડલ મેળવી ઈતિહાસ રચી દીધો.
આ સરબજોતનો પહેલો ઓલિમ્પિક મેડલ છે. જો કે તે સિંગલ ઈવેન્ટમાં કમાલ નથી કરી શકયો પણ મનુ સાથે જોડી બનાવી પોતાનું ખાતુ ખોલાવી નાખ્યું. આ ભારતનો ટીમ ઈવેન્ટમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ પણ છે. આ પહેલા ભારતે નિશાનબાજીમાં જેટલા પણ મેડલ જીત્યા હતા તે બધા સિંગલ્સ ઈવેન્ટમાં જીત્યા હતા.
એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની મનુ
ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હોને 16-10થી હરાવ્યું હતું. ભારતે આઠ રાઉન્ડ જીત્યા હતા જ્યારે કોરિયાએ પાંચ રાઉન્ડ જીત્યા. આ સ્પર્ધામાં, 16 પોઈન્ટ મેળવનારી પ્રથમ ટીમ જીતે છે. આ સાથે મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. નોર્મન પ્રિચાર્ડે વર્ષ 1900માં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ મૂળ બ્રિટિશ હતા.
મનુ ભાકર આવું કરનાર પ્રથમ ભારતીય છે. મનુ પહેલા આઝાદ ભારતના કોઈપણ એથ્લિટે અગાઉ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા ન હતા. સરબજોત સિંહનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. બ્રોન્ઝ મેડલ માટેની હરીફાઈમાં તેઓની શરૂઆત સારી નહોતી રહી. પ્રથમ રાઉન્ડમાં તેઓનો પરાજય થયો હતો.
પરંતુ ત્યાર બાદ તેમણે શાનદાર વાપસી કરતાં ઉપરાઉપરી ત્રણ રાઉન્ડ અને આખરે ટોટલ પોઈન્ટમાં પણ લીડ લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુએ પોતાના પરિવાર અને દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે. તે શૂટિંગની વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં પણ મેડલ જીતનાર એકમાત્ર મહિલા બની હતી.