મોરબી શહેરમાં કોઈપણ ફરિયાદ હોય તો સ્થાનિક લેવલે કોઈ પણ અધિકારી કે પદાધિકારીને સંપર્ક કરો તો કામ થતું નથી. પરંતુ જો કેન્દ્ર સરકાર સુધી તમારી વાત પહોંચે તો તાબડતોબ કામ થાય છે તેવી એક ઘટના તાજેતરમાં સામે આવી છે જેમાં મોરબીના એક વેપારી દ્વારા કેન્દ્ર સરકારના ઓનલાઇન ફરિયાદ માટેના પ્લેટફોર્મ ઉપર ફરિયાદ કરવામાં આવી હતી.

જેના આધારે તાત્કાલિક પોલીસ તોડતી થઈ હતી અને નહેરૂગેઇટ ચોકની બાજુમાં આવેલ નાસ્તા ગલીમાં જઈને જાહેરમાં લારી રાખતા વેપારીઓની સામે ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવેલ છે જો કે, મોરબીના નહેરૂગેઇટ ચોક અને તણી આસપાસની સો જેટલી લારીઓનો ખડકલો કેમ હજુ પોલીસને દેખાતો નથી તે સવાલ છે.

મોરબી શહેરના નેહરુ ગેઇટ ચોક, લોહાણાપરા, શાક માર્કેટ ચોક, પરા બજાર, સરદાર રોડ, ગાંધી ચોક વગેરે વિસ્તારમાં લારી ગલ્લા અને પાથરણાના અનેક દબાણો છે અને આ દબાણોને દૂર કરીને લોકો માટે રોડ રસ્તા ખુલ્લા રાખવા એક નહીં પરંતુ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ સ્થાનિક અધિકારીઓ આળસ ખંખેરીને લોકોની સુખાકારી માટે કામ કરતા નથી તે હકીકત છે.

તેવામાં મોરબીના એક વેપારી દ્વારા કેન્દ્ર સરકારના ઓનલાઇન ફરિયાદ માટેના પોર્ટલ ઉપર જઈને ત્યાં મોરબીના નગર દરવાજા ચોકની બાજુમાં આવેલ નાસ્તા ગલીમાં લારી ગલ્લા પાથરણાના દબાણો છે તે દૂર કરવા માટે સ્થાનિક લેવલે રજૂઆતો કરવા છતાં કંઈ કામગીરી કરવામાં આવતી નથી તે પ્રકારની ફરિયાદ કરવામાં આવી હતી.

ત્યારબાદ કેન્દ્ર સરકારની ઓનલાઇન સર્વિસીસમાંથી સરકારની કામગીરીનો અભિપ્રાય જાણવા માટે થઈને જે કોલ આવ્યો હતો તેમાં વેપારીએ ઘણો બળાપો કાઢ્યો હતો અને મોરબીમાં કોઈ અધિકારી કામ કરતા નથી અને અહી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવુ ચાલે છે તેવું મોઢે મોઢ પરખાવી દીધું હતું. ત્યારબાદ હવે પોલીસ વિભાગ સફાળો જાગ્યો છે અને કામગીરી હાથ ધરી હોય તેવો ઘાટ સર્જાયો છે.

નહેરૂ ગેઇટ ચોકની બાજુમાં આવેલ નાસ્તા ગલીમાં રસ્તા ઉપર લોકોને નડતરરૂપ થાય તે રીતે લારી ગલ્લા અને વેપારીઓએ પોતાના થડા બહારના ભાગમાં રાખી દીધા છે જેથી કરીને ગ્રાહકોને અવરજવરમાં પણ મુશ્કેલી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું માટે એક વેપારીએ કેન્દ્ર સરકાર સુધી ફરિયાદ કરી ત્યારબાદ પોલીસે કામગીરી કરી છે !

હાલમાં ગાયત્રી પુરી શાક વાળા સુરેશભાઈ ધરમશીભાઈ જીવાણી, રાધે શ્યામ નાસ્તા હાઉસ વાળા જાફરસા અલીસા શામદાર, જુબેરભાઈ મોહમ્મદભાઈ મોટીલાણી, વ્રજભાવ નાસ્તાની લારીવાળા જગદીશભાઈ શંકરલાલ જહા, જૈન ફરસાણ નામની લારીવાળા નિલેશભાઈ જયંતીલાલ ધંધુકિયા, કમલેશ ગાંઠીયાવાળા રવિભાઈ કમલેશભાઈ મકવાણા, આકાશ ભજીયાની લારીવાળા રફિકભાઈ સદરૂદિનભાઈ અમલાણી, જયશંકર નાસ્તા વાળા રવિભાઈ ઘનશ્યામભાઈ ભોજવાણી, હર ભોલે ભજીયાવાળા નાઝીમભાઈ સદરૂદિનભાઈ અમલાણી, સિવા પાણીપુરી નામની લારીવાળા મોહિત ભગવાનદાસ નિશાદ, રાજુભાઈ ગાંઠીયાવાળા નામની લારી ધરાવતા ગૌરવભાઈ વિજયભાઈ મકવાણા અને હિંન્જા પૂરી શાક નામની લારી ધરાવતા જાવેદભાઈ અનવરભાઈ મીરજાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બી.એમ.એસ.ની કલમ 285 મુજબ ગુના નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીએ કેન્દ્ર સરકારમાં ઓનલાઇન ફરિયાદ કરી ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે જોકે હાલમાં જે દબાણોને દૂર કરવામાં આવ્યા છે તે જગ્યા કેટલા દિવસ માટે ખુલી રહેશે તે કહેવું મુશ્કેલ છે અને મોરબીના નહેરૂ ગેઇટ ચોક, માર્કેટ ચોક, ગાંધી ચોક, પરા બજાર, સરદાર રોડ, લોહાણાપરા સહિતના વિસ્તારોની અંદર જે લારી ગલ્લા અને પાથરણાના દબાણો છે તેને દૂર કરવા માટે થઈને અવારનવાર પોલીસ વિભાગ દ્વારા પાલિકા ઉપર ટોપલો ઢોળવામાં આવતો હોય છે.

જોકે, કેન્દ્ર સરકાર સુધી દબાણનો મામલો પહોંચ્યો ત્યાર બાદ પાલિકાની રાહ જોયા વગર પોલીસ વિભાગે કામગીરી કરી છે !? ત્યારે મોરબીના અન્ય વિસ્તારોમાંથી પણ જો લારી ગલ્લા પથારણા સહિતના દબાણને દૂર કરવા હોય તો કેન્દ્ર સરકારની ઓનલાઇન ફરિયાદ માટેની જે પોર્ટલ છે તેમાં મોરબીના લોકોને ફરિયાદ કરવી પડશે તો જ અહીંનું નિર્ભર તંત્ર કામગીરી કરીને મોરબીના રસ્તાઓ ઉપર જે દબાણ છે તેને દૂર કરીને રસ્તા ખુલ્લા કરાવશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.











