પાલતુ શ્વાન-પ્રાણીને ભોજન કરાવવા અલગ જગ્યા ફાળવવા-સમય નિર્ધારિત કરવો પડશે: ક્રુર વ્યવહાર નહીં કરી શકાય: સોસાયટી પ્રમુખ-સેક્રેટરીની જવાબદારી: કાનૂની પગલાની પણ જોગવાઈ
શહેરોની શેરીઓ તથા હાઉસીંગ સોસાયટીઓમાં પાલતુ શ્વાન કે અન્ય પ્રાણીઓને કારણે રહેવાસીઓ વચ્ચે થતાં આંતરીક ઝઘડા રોકવા માટે સરકાર દ્વારા ખાસ કાયદો ઘડવામાં આવ્યો છે.પાલતુ પ્રાણી ધરાવતાં પરિવારો ઉપરાંત રખડતા શ્વાનોને ખાવાપીવાનું આપતા લોકોને આ કાયદાથી રાહત મળવાની સંભાવના છે.
રજીસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી ગુજરાત દ્વારા ખાસ પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે. રખડતા ઢોર પ્રત્યે હિંસક કૃત્યો કરવા કે હેરાનગતિ કરવા પર રોક લગાવવામાં આવી છે અને આવા કૃત્યો કરનારા સામે કાનુની કાર્યવાહીની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે.
પરિપત્રમાં એવુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાલતુ કે રખડતા શ્વાન કે અન્ય પ્રાણીઓ પ્રત્યે ક્રુરતાભર્યો કે હિંસક વ્યવહાર નહીં થઈ શકે અને તેઓની વસ્તીને નિયંત્રીત કરવા માટે માનવીય અભિગમ જ અપનાવવાનો રહેશે. કોઈપણ વ્યકિત શ્વાન, બિલાડી ગાય જેવા પ્રાણીઓ સાથે હિંસક અથવા હેરાનગતિ કરવા સમાન વ્યવહાર કરશે તો પ્રાણી સુરક્ષા અને કલ્યાણ સંગઠનો કાયદાકીય પગલા લઈ શકશે. હાઉસીંગ સોસાયટીઓમાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના નિયમો-માર્ગદર્શિકાનો અસરકારક અમલ કરવાની જવાબદારી પ્રમુખ અને સેક્રેટરીની રહેશે.
પરિપત્રમાં જણાવાયા પ્રમાણે તંદુરસ્ત ઈકો-સીસ્ટમ જાળવવા માટે હાઉસીંગ સોસાયટીઓએ સ્ટરીલાઈઝેશન સહિતની એસઓપીનુ પાલન કરવાનું રહેશે. પાલતુ પ્રાણીઓને ખાવાપીવાની સગવડતા માટે ચોકકસ જગ્યા ફીકસ કરવાની રહેશે. પાલતુ પ્રાણીઓને ખવડાવવા-પીવડાવવા માટેનો સમય બાળકોના રમવાના સમય તથા સોસાયટીના વૃદ્ધોના સૈર કરવાના સમયને ધ્યાને રાખીને નકકી કરવાનો રહેશે.
પાલતુ તથા રખડતા શ્વાન સહિતના પ્રાણીઓ સાથે માનવીય-વૈજ્ઞાનિક વ્યવહાર માટે રેસીડેન્ટ વેલફેર એસોસીએશન તથા એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસીએશનની જવાબદારી નકકી કરવાની પણ સુચના આપવામાં આવી છે. સ્ટરીલાઈઝેશન પ્રક્રિયા બાદ કોઈપણ પ્રાણીને બીનજરૂરી પીડા ન થાય તેની કાળજી રાખવી પડશે.
પ્રાણીપ્રેમીઓ તથા પ્રાણી કલ્યાણ સંગઠનો દ્વારા સહકારના આ નિયમોને આવકારવામાં આવ્યા છે. પ્રાણીઓ પ્રત્યે લોકોના વ્યવહાર સામાન્ય બનવા સાથે તંદુરસ્ત માહોલ ઉભો થાય તે માટે આ પ્રકારના નિયમો લાંબા વખતથી જરૂરી હતી.
એનિમલ હોસ્પિટલોના સંચાલકોએ તો એવો પણ સૂર દર્શાવ્યો છે કે પ્રાણીઓને ઉશ્કેરતા કૃત્યો રોકવા માટે બાળકો-વૃદ્ધો માટે કાઉન્સીંગ સત્ર રાખવા જોઈએ.શ્વાન સહિતના પ્રાણીઓ પ્રત્યે ક્રુરતાભર્યા અભિગમ તથા જુદી-જુદી રીતે ઉશ્કેરણી-હેરાનગતિ માટે એનિમલ પબ્લીક પોલીસી ફાઉન્ડેશન દ્વારા લાંબા વખતથી રજુઆત કરવામાં આવતી હતી તેના પગલે હાઉસીંગ સોસાયટી રજીસ્ટ્રાર દ્વારા નિયમો સાથેનો પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે.
શ્વાન કે પ્રાણીઓને ખવડાવવા-પીવડાવવા, પાલતુ પ્રાણીઓને સોસાયટીમાં ફેરવવા સહિતના મામલાઓમાં રહેવાસીઓ વચ્ચે તકરાર સર્જાતી હોય છે. કેટલીક સોસાયટીમાં તો પાલતુ પ્રાણી ધરાવતા પરિવારોને મકાન ભાડે પણ અપાતા નથી, પાલતુ પ્રાણીને સોસાયટીમાં ફેરવવા પણ દેવાતા નથી. આવા સંજોગોમાં નવા નિયમો રાહતરૂપ છે.