સમગ્ર ગુજરાતની અંદર જુદા જુદા જિલ્લાઓમાં ચાંદીપુરા ના કેસને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લાના લોકો પણ ચિંતાતુરતા હતા. કારણ કે સરકાર દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લામાં ચાંદીપુરાના ત્રણ કેસ હતા અને તે દર્દીઓના મોત થયા છે તે પ્રકારની વિગતો સામે આવી છે.
ત્યારે આ બાબતે મોરબી જિલ્લા કલેકટર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ખેતીવાડી અને ઔદ્યોગિક વિસ્તારમાં રોજગારી માટે થઈને બીજા જિલ્લાઓમાંથી આવેલા પરિવારો પૈકીના ત્રણ બાળકોને જુદા જુદા શંકાસ્પદ લક્ષણો જોવા મળતા હોવાથી તેને રાજકોટની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને તેમના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જોકે તે સેમ્પલનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી એટલે આજની તારીખે મોરબી જિલ્લામાં એક ચાંદીપુરાનો કેસ નથી તેવું કહી શકાય તેમ છે.
ચાંદીપુરાના દર્દીઓમાં ખાસ કરીને બાળકોનો સમાવેશ થાય છે અને ઘણી વખત તે જીવલેણ પણ સાબિત થાય છે ત્યારે જો રાજ્યની જુદા જુદા જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં ચાંદીપુરાના કેસના શંકાસ્પદ લક્ષણો જણાતા દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવી છે તેવી જ રીતે મોરબી જિલ્લાના મોરબી તાલુકામાંથી બે અને ટંકારા તાલુકામાંથી એક શંકાસ્પદ બાળકને સારવાર માટે રાજકોટનું મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેના સેમ્પલ લઈને પુનાની લેબોરેટરીમાં મોકલાવવામાં આવેલ છે જોકે આ ત્રણેય બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે અને ત્રણેય બાળકોના લક્ષણ જુદા જુદા પ્રકારના જોવા મળતા હતા. તેવું મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી. ઝવેરી પાસેથી જાણવા મળેલ છે.
વધુમાં મોરબીના જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના જુદા જુદા બે ઔદ્યોગિક એકમોમાં રોજગારી મેળવવા માટે થઈને આવેલા પરિવારના બે બાળકોને શંકાસ્પદ લક્ષણો જણાવતા હોવાથી તેને સારવારમાં લઇને આવ્યા હતા તેવી જ રીતે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીમાં રોજગારી માટે આવેલા પરિવારના બાળકને શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ ત્રણ બાળકોના મોત થયા છે.
જોકે આ ત્રણ બાળકોને ચાંદીપુરા હતો તેવું હજુ સ્પષ્ટ થયેલ નથી અને પુનાની લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ તે અંગેની સ્પષ્ટતા થશે જોકે તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જે તે વિસ્તારની અંદર જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને સામાન્ય રીતે આ રોગ જે વિસ્તારમાં હોય ત્યાં વધુ પ્રમાણમાં તેના કેસ જોવા મળતા હોય છે જોકે મોરબીમાં જે ત્રણ કેસ શંકાસ્પદ સામે આવ્યા છે તે ત્રણે ત્રણ બહારના જિલ્લાઓમાંથી આવેલા દર્દી હતા સ્થાનિક મોરબી જિલ્લામાં ચાંદીપુરાનો આજની તારીખે એક પણ કેસ નથી.
જોકે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી જુદી જુદી જગ્યાએ ભરાવાના કારણે ઘણી વખત મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે ત્યારે ન માત્ર ચાંદીપુરા પરંતુ મચ્છરજન્ય રોગ કે જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે જેવા રોગનો સમાવેશ થાય છે તેનો ફેલાવો ન થાય તે માટે થઈને મોરબી જિલ્લાના લોકોએ પણ કોઈપણ જગ્યાએ મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની તકેદારી રાખવા માટે થઈને કલેક્ટર દ્વારા મોરબી જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે.