સેન્ડફલાયથી ફેલાતા બાળકો માટે જોખમી ચાંદીપુરા તાવના લક્ષણો અને તેનાથી રક્ષણના ઉપાયો

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે દ્વારાલોકોને સાવચેતી રાખવા અપીલ

રાજ્યના કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયેલા છે. જે સેન્ડફ્લાય દ્વારા ફેલાય છે. ૦ થી ૧૪ વર્ષના બાળકોમાં રોગ પ્રતિકારક શકિત ઓછી હોવાના કારણે આ બીમારીની સંભાવના વધારે છે. આથી, બાળકો માટે જોખમી સેન્ડફ્લાયને ઓળખીને તેના વિશે  જાગૃતિ કેળવવી જરૂરી છે.

સેન્ડફફ્લાય કઈ જગ્યાએ રહે?

સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે.

સેન્ડફ્લાયની ઉત્પત્તિ

 •સેન્ડફલાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે.

* સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મુકે છે.

* ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.

સેન્ડફ્લાય દ્વારા ફેલાતા રોગો

* સેન્ડફલાય ચાંદીપુરા અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે.

* એક પ્રકારના વાઈરસને કારણે ચાંદીપુરમ વાઈરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે. જેના ફેલાવા માટે સેન્ડફલાય જવાબદાર છે.

સેન્ડફ્લાયથી ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો

* સેન્ડફલાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ.

* ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ રહે, સૂર્ય પ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી.

* ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો.

* પ્રવર્તમાન પરિસ્થિતિમાં બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.

સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું વગેરે સેન્ડફ્લાયથી ફેલાતા ચાંદીપુરા તાવ રોગના લક્ષણો છે.

મોરબી જિલ્લામાં કોઈ પણ બાળકમાં ઉપર જણાવેલા લક્ષણો દેખાતા દર્દીને દવાખાને સારવાર માટે તાત્કાલિક દાખલ કરવા અને લોકોને સાવચેત રહેવા મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી  ડો. કવિતાબેન દવે  દ્વારા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!
Exit mobile version