દ્વારકા: જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાય છે. મેઘરાજાની તોફાની બેટીંગમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે. વાદળ ફાટતા દ્વારકા જળબંબાકાર થઇ ગયું છે. છેલ્લા બે કલાકમાં અનરાધાર સાડા નવ ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ભારે જન જીવન પ્રભાવિત થયું છે. હોટેલો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થતિ જોવા મળી રહી છે.
મેઘરાજાની દ્વારકામાં તોફાની બેટીંગમાં ચારે તરફ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં હોટેલો અને દુકાનોમાં કેડસમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. છેલ્લા 4 કલાકમાં 11 ઈંચ વરસાદ થતા દ્વારકા નગરી જળ મગ્ન બની હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે
દ્વારકામાં વિવિધ વિસ્તારોની વાત કરીએ તો ભદ્રકાળી ચોક,ઇસ્કોન ગેટ,રેલવે સ્ટેશન રોડ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે. વરસાદે આફત સર્જી દે તેવો માહોલ ઉભો કરી દિધો છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાય ગઈ હોઈ તેવા દૃશ્યો જોવા મળી રહયા છે.
કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જનજીવનને પ્રભાવિત કરતા ધોધમાર વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ ઉપરાંત, દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ અત્યાર સુધીનો 100 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જણાવી દઈએ કે, ખંભાળિયામાં પણ સરેરાશ 35 ઈંચ વરસાદ પડે છે, ત્યારે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 37 ઈંચ વરસાદ નોંધાતા તેમનો સરેરાસ આંકડો 100 ટકાને વટી ગયો છે.