અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે. હવે અયોધ્યામાં રહેતા લોકો અને સંત મહાત્મા માટે રામ મંદિર ટ્રસ્ટ સારા સમાચાર લઈને આવ્યું છે. હકીકતમાં અયોધ્યાના જે સંતો- મહાત્મા અને નાગરિકો રોજ મંદિરમાં જઈને રામલલાના દર્શન કરવા માંગે છે. તેમના માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા અનુમતિ પત્ર જારી કર્યું છે. તેમા કહેવામાં આવ્યું છે કે, અયોધ્યાના સંતો- મહાત્મા અને નાગરિકો દરરોજ ડી-1 ગેટથી પ્રવેશ મેળવી શકશે અને સરળતાથી રામલલાના દર્શન કરી શકશે.
અનુમતિ પત્ર મેળવ્યા પછી ડી – 1 ગેટથી પ્રવેશ કરી શકશે.
‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, અયોધ્યાના જે સંતો- મહાત્મા અને નાગરિકો છે તે જેઓ રોજ મંદિરમાં રામલલાના દર્શન કરવા માંગે છે. તેઓ રામ કચેરી આશ્રમમાં આવેલી ટ્રસ્ટ કાર્યાલયના રામપથ તીર્થ યાત્રી સેવા કેન્દ્રમાં અરજી કરી શકે છે. અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે.
પરવાનગી પત્ર સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી મેળવી શકાશે. નિત્ય દર્શન માટે સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. મોબાઈલ ફોન, પૂજા સામગ્રી, પ્રસાદ વગેરે સાથે કોઈ પ્રવેશ આપવામાં આવશે નહીં. જેમની પાસે અનુમતિ પત્ર છે, તેઓ ડી-1 ગેટથી જ પ્રવેશ કરી શકશે.
મહિનામાં માત્ર 1-2 વાર દર્શન કરશે તો પાસ રદ કરાશે
ટ્રસ્ટ દ્વારા અનુમતિ પત્ર બાબતે વધુ જણાવતા કહ્યું હતું કે, એકવાર ઈસ્યુ કરવામાં આવેલ પરવાનગી પત્ર છ મહિના માટે જ માન્ય રહેશે. ત્યાર બાદ ફરી રિન્યુ કરી શકાય છે. પરંતુ જો કોઈ અનુમતિ પત્ર ધરાનાર નિત્ય દર્શન કરવા નથી આવતા અને મહિનામાં માત્ર એક કે બે વાર આવે છે, તો તેવા લોકોના પાસ રદ કરવામાં આવશે. તમારું એડમિટ કાર્ડ રોજ દર્શન સમયે પોલીસ બૂથ પર બતાવવાનું રહેશે.
સ્થાનિક લોકોને આઈડી કાર્ડ આપવામાં આવ્યા
નોંધનીય છે કે, તાજેતરમાં આ પ્રકારની સુવિધા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં શરૂ કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર ચારની બાજુમાં એક અલગથી રસ્તો બનાવવામાં આવ્યો છે. જ્યાથી વારાણસીમાં રહેતા ભક્તો મંદિરના દર્શન કરી શકે છે. મંદિરમાં બહારથી આવતા ભક્તોની સંખ્યા ઘણી વધારે હતી, જેના કારણે વારાણસીના લોકોને દર્શન કરવામાં મુશ્કેલી પડતી હતી જેના કારણે વારાણસીના સ્થાનિક લોકો આ સુવિધા આપવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકોને આઈડી કાર્ડ આપવામાં આવ્યા હતા જેના દ્વારા બાબા વિશ્વનાથના દર્શન સરળતાથી કરી શકે છે.