નવા રસ્તાઓ બનાવવાની માંગ સાથે નગરપાલિકા હાય હાય…ના નારા લગાવ્યા
મોરબીમાં રેલવે સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, ચિત્રકૂટ રોડ, કબ્રસ્તાન વાળો રોડ વગેરે રસ્તાઓ પર મસ મોટા ખાડા પડી જતા સ્ટેશન રોડના વેપારીઓએ સામાજિક કાર્યકર્તાઓને સાથે રાખી રસ્તા ઉપર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરી નવતર વિરોધ પ્રદર્શન કરી પાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા.
મોરબી શહેરમાં મોટાભાગના રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે ત્યારે રેલવે સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, ચિત્રકૂટ રોડ, કબ્રસ્તાન વાળો રોડ સંપૂર્ણ નાશ પામ્યા હોય તેવી સ્થિતિ સર્જાતા મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા વેપારીઓ દ્વારા સામાજિક કાર્યકર્તાઓ રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગભાઈ મનોજભાઈ વગેરેને સાથે રાખી નવા રસ્તાઓ બનાવવાની માંગણી સાથે રસ્તાઓ પર ઉતરી રસ્તા જામ કરી અને ખાડામાં રોપા વાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વધુમાં કમરતોડ રસ્તાઓથી કંટાળી વેપારીઓ અને સામાજિક કાર્યકર્તાઓ લીમડાની ડાળીઓ લઈ નગરપાલિકા કચેરી ખાતે પણ વિરોધ કરી નગરપાલિકા હાય હાય… ચીફ ઓફીસર હાય હાય… ધારાસભ્ય હાય હાય… ના નારા લગાવ્યા હતા. તથા ચીફ ઓફિસરની ઑફિસમાં તાળું હોવાથી તાળા પાસે બેસી હેડ ક્લાર્કને લીંબડાની ડાળી આપી રસ્તા રીપેર કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.